આમચી મુંબઈ

ટ્રાફિક જામને કારણે કોસ્ટલ રોડની ટનલમાં મહિલાની તબિયત બગડી, પાલિકા મદદે આવી

મુંબઈઃ મુંબઈના કોઈ રસ્તા એવા બાકી નથી, જ્યાં ટ્રાફિક જામ ન થતો હોય. ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા બનાવાયેલો કોસ્ટલ રોડ પણ હવે તેમાંથી બાકાત નથી રહ્યો. સાતમી એપ્રિલના રોજ મુંબઈના કોસ્ટલ રોડ ટનલની અંદર એક મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડી, જેના કારણે વેન્ટિલેશન અને ટ્રાફિક નિયંત્રણ સંબંધિત ગંભીર સમસ્યાઓ સામે આવી હતી, પરંતુ એ વખતે પાલિકા પ્રશાસનની મદદ કામે લાગી હતી. ડોમ્બિવલીના યોગ શિક્ષક સુબોધ જઠાર અને તેમની પત્ની ટેક્સીમાં દાદરથી કોલાબા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

ઓક્સિજનના લેવલમાં થયો અચાનક ઘટાડો

આ દંપતી લગભગ ૩૦ મિનિટ સુધી ટનલમાં મોટા ટ્રાફિક જામમાં ફસાયેલું હતું. જઠારના જણાવ્યા મુજબ ટનલમાં લાંબા સમય સુધી ટ્રાફિક જામ, અપૂરતી હવાના પરિભ્રમણને કારણે, તેની પત્નીના ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થયો. તેને શ્વાસ લેવામાં તકલીફ અને ગંભીર અસ્વસ્થતાનો અનુભવ થવા લાગ્યો. જઠારે કહ્યું કે તેમને પણ ટનલમાં નબળા વેન્ટિલેશન અને વધતી ગરમીની અસરોનો અનુભવ થયો હતો.

આ પણ વાંચો: મુંબઈ કોસ્ટલ રોડ પર સાઉન્ડ બેરિયર્સ બેસાડો : ટ્રાફિક પોલીસ…

ક્રિકેટ મેચ જોવા જનારો ચાહક મદદે આવ્યો

તેમની પત્નીની હાલત બગડતા પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ. આ જામમાં બીએમસીના આર સાઉથ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર મનીષ સાલ્વે પણ પોતાની સ્કોર્પિયો એસયુવી સાથે ફસાયેલા હતા. સદનસીબે આઈપીએલ મેચ માટે વાનખેડે સ્ટેડિયમ જઈ રહેલા સાલ્વેએ મહિલાની તકલીફ જોઈ અને તરત જ મદદની ઓફર કરી. સાલ્વે દંપતીને સીધા બોમ્બે હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ મહિલાની સ્થિતિ સ્થિર કરવા માટે ઓક્સિજન આપ્યો. તેમને બે કલાક સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા અને તે જ દિવસે મોડેથી રજા આપવામાં આવી.

કોસ્ટલ રોડની ટનલમાં વેન્ટિલેશન અંગે ગંભીર ચિંતાઓ

જઠારે સમયસર મદદ માટે સાલ્વેનો આભાર વ્યક્ત કર્યો પરંતુ કોસ્ટલ રોડ ટનલના સંચાલન અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી. તેમણે વધુ સારી વેન્ટિલેશન સિસ્ટમની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો અને અધિકારીઓને ભીડ દરમિયાન વાહનોના પ્રવેશને નિયંત્રિત કરવા હાકલ કરી. તેમણે ટનલની અંદર ટ્રાફિકની સ્થિતિની જાણ કરવા માટે એન્ટ્રી પોઈન્ટ પર ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ લગાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો. ટેક્સીના એર કન્ડિશનિંગથી થોડી રાહત મળી, પણ ભીડવાળી ટનલની અંદર ગરમી અને ગંદકીનો સામનો કરવા માટે તે પૂરતું નહોતું. જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમની પત્નીના હાથપગ અકડાવવા લાગ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button