ડ્રાઈવર સાથેના પ્રેમમાં મહિલાએ પતિનો કાંટો કઢાવ્યો: મહિલા-પ્રેમી સામે ગુનો
થાણે: વયમાં નાના ડ્રાઈવરના પ્રેમમાં પડેલી મહિલાએ પોતાના પતિનો કાંટો કઢાવ્યો હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી. પોસ્ટમોર્ટમના અહેવાલમાં હત્યાની વાત સામે આવતાં પોલીસે મહિલા-પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ખાંદેશ્ર્વર પોલીસના જણાવ્યા મુજબ પનવેલની ખાંડા કોલોનીમાં રહેતા 58 વર્ષના રહેવાસીનું 8 ઑગસ્ટે મૃત્યુ થયું હતું. તે સમયે પોલીસે એક્સિડેન્ટલ ડેથની નોંધ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
પોસ્ટમોર્ટમના અહેવાલ અને મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે રવિવારની વહેલી સવારે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો :આવતા વર્ષથી તમે નવી મુંબઈથી પણ ટેક ઑફ કરી શકશો…
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતકની 38 વર્ષની પત્નીનું તેના 26 વર્ષના ડ્રાઈવર સાથે અફૅર હતું, જેનો મૃતકે વિરોધ કર્યો હતો. આરોપીનો મૃતકની મિલકત પચાવી પાડવાનો પણ ઇરાદો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપી મહિલાએ ડ્રાઈવર સાથે મળીને તેના નિવાસસ્થાને પતિની કથિત હત્યા કરી હતી. જોકે હત્યા કઈ રીતે કરાઈ તેનો ઉલ્લેખ એફઆઈઆરમાં કરાયો નહોતો.
આ પ્રકરણે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને 3(5) હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાથી રવિવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી. (પીટીઆઈ)