શસ્ત્રની ધાક દાખવી મહિલાને લૂંટી: ભૂતપૂર્વ રસોઇયો પકડાયો

થાણે: નવી મુંબઈમાં મહિલાને શસ્ત્રની ધાક દાખવીને રોકડ-સોનાની ચેઇન લૂંટવા બદલ પોલીસે ભૂતપૂર્વ રસોઇયાની ધરપકડ કરી હતી.
નવી મુંબઈના ઘનસોલી વિસ્તારમાં રહેનારી મહિલાના ઘરે 14 ઑગસ્ટે રાતે આરોપી આવ્યો હતો અને તેણે મહિલાને શસ્ત્રની ધાક દાખવીને રૂ. 30 હજાર લૂંટી લીધા હતા. મહિલાએ બૂમાબૂમ કરતાં આરોપી તેની સોનાની ચેઇન આંચકી ભાગી છૂટ્યો હતો.
આ ઘટના બાદ મહિલાએ રબાળે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી હતી.
આ પણ વાંચો : થાણેમાં મહિલા પર હુમલો કરવા બદલ ચાર જણને સાત વર્ષની કેદ
પોલીસે ઘટનાસ્થળ તથા આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને બાદમાં મળેલી માહિતીને આધારે ગુનામાં સંડોવાયેલા આરોપીને થાણેના રામચંદ્રનગરથી શુક્રવારે રાતે ઝડપી પાડ્યો હતો. આરોપી અગાઉ મહિલાના ઘરે રસોઇયા તરીકે કામ કરતો હતો. આરોપી પાસેથી સોનાની ચેઇન સહિત રૂ. 1.60 લાખની મતા જપ્ત કરાઇ હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી વિરુદ્ધ 2015માં ડોંબિવલી રેલવે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)