ટ્રેન અકસ્માતમાં હાથ ગુમાવનારી મુંબઈની દીકરીએ કરી નાખી કમાલ
મુંબઈ: એ દિવસો ગયા જ્યારે વિકલાંગોને સહાનુભૂતિ અને દયાની નજરે જોવામાં આવતા હતા. ટ્રેન અકસ્માતમાં હાથ ગુમાવનારી મુંબઈની દીકરી મોનિકા મોરેએ પોતાની તમામ વિકલાંગતાઓને છોડીને જીવવાની ઈચ્છા સાથે સમગ્ર દેશ માટે એક મિસાલ બનાવી છે. શારીરિક યા દિવ્યાંગ લોકો માટે પ્રેરણા સ્ત્રોત બનનાર મોનિકા મોરે નામની લડાયક ખમીર રાખતી યુવતીની વાત કરીશું.
મોનિકા અશોક મોરેએ જાન્યુઆરી 2014માં ઘાટકોપર રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનના પ્લેટફોર્મ અને લેડીઝ કમ્પાર્ટમેન્ટ ફૂટબોર્ડ વચ્ચેના ગેપમાં લપસી જતાં તેણે તેના બંને હાથ ગુમાવ્યા હતા. અકસ્માત બાદ મોનિકાને તાત્કાલિક KEM હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેના હાથ શસ્ત્રક્રિયાથી ફરી જોડાઈ શક્યા ન હતા. હાથ ગુમાવ્યા હોવા વિશે જાણ્યા પછી મોનિકા થોડો સમય ડિપ્રેશનમાં રહી હતી, પણ પછી પીડા અને અનિશ્ચિતતાથી ભરપૂર જીવન માટે પોતાના ભાગ્યને કોસવાને બદલે જીવન માટે લડવાનું નક્કી કર્યું હતું. તેણે રેલવે પોલીસ અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને રેલવે અકસ્માતો અંગે જાગૃતિ ફેલાવવાનું શરૂ કર્યું હતું, જેને કારણે આજે સમાજના ઘણા લોકોને પ્રેરણા મળી છે.
મોનિકાએ પ્રોસ્થેટિક આર્મ્સની મદદથી સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કર્યો. જોકે, આ સરળ નહોતું. પ્રોસ્થેટિક આર્મ્સનું એકાદ કિલોનું વજન તેને ઘણી પીડા આપતું હતું. લાંબા સમય સુધી તેને પહેરવાનું ખૂબ મુશ્કેલ હતું પણ તેણે જરાય હતાશ થયા વિના જીવનની પોતાની લડત ચાલુ રાખી હતી. તેની ભાગ્ય સામેની આ લડતમાં તેના પરિવારનો પણ ટેકો મળ્યો. મિત્રો અને પરિવારની મદદથી મોનિકાએ શિક્ષણ અને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.
જોકે, સાથે સાથે તેના પિતાએ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી વિશે તપાસ ચાલુ રાખી હતી. લગભગ 2 વર્ષ રાહ જોયા પછી તેમને સર્જરી માટે ફોન આવ્યો. ચેન્નાઈમાં એક 34 વર્ષના આઈટી પ્રોફેશનલ અસેલન અર્જુનન તેમને સ્ટ્રોક આવ્યો હતો અને તેઓ બ્રેઈન ડેડ જાહેર થયા હતા. તેમના માતા-પિતા ઇચ્છતા હતા કે તેમનો દીકરો જીવતો રહે.
તેમણે તેમના પુત્રના સાત અંગોનું દાન કરી સાત વ્યક્તિને નવજીવન આપવાનો નિર્ધાર કર્યો. મોનિકાને અસેલન અર્જુનનના હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. મુંબઈના પરેલ ખાતેની ગ્લોબલ હોસ્પિટલમાં 28 ઓગસ્ટ, 2020ના રોજ નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તેના બંને હાથનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તેના આ જટિલ ઑપરેશનમાં લગભગ 16 કલાક લાગ્યા. ભારતમાં આ પ્રકારની હાથના પ્રત્યારોપણની કદાચ આ પ્રથમ શસ્ત્રક્રિયા હતી. મોનિકા હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે.
મોનિકાના નવા હાથોએ હવે મોનિકાનો સ્કીન કલર જ અપનાવી લીધો છે. તે હાથ પર મહેંદી લગાવી શકે છે, લેપ્ટોપ વાપરી શકે છે. તમામ રૂટિન કામો કરી શકે છે. નોકરી પણ કરી શકે છે અને પિતાના મૃત્યુ બાદ ઘરનો આર્થિક બોજો પણ વહન કરી શકે છે. હવે તે એના નાના ભાઇને પોકેટ મની અને ગિફ્ટ પણ આપે છે.
મોનિકા જણાવે છે કે હવે હું કોઈના પર નિર્ભર નથી. હું હવે સ્વતંત્ર છું. હું દેશવાસીઓને એક સંદેશ આપવા ઈચ્છું છું કે અકસ્માત સમયે લોકોએ ફોટો કે વીડિયો ક્લિક કરવાને બદલે પહેલા આગળ આવીને મદદ કરવી જોઈએ.
મોનિકાની માતા કવિતા અશોક મોરે પણ પુત્રીની પ્રગતિથી ખૂબ જ ખુશ છે.
કવિતા જણાવે છે કે તેના અકસ્માત પછી અમે ચિંતિત હતા. પણ તેના હાથ ટ્રાન્સપ્લાન્ટ પછી તે અમારા પર નિર્ભર નથી. અમે ખૂબ ખુશ છીએ. હું એક સંદેશ આપવા માંગુ છું કે જે છોકરીઓ કામ માટે બહાર જાય છે તેમણે આરામથી અને સાવચેતીપૂર્વક મુસાફરી કરવી જોઇએ.