ફિલ્મમાં કામ અપાવવાને બહાને મહિલા પર ગુજાર્યો બળાત્કાર: ચાર સામે ગુનો

થાણે: ફિલ્મમાં કામ અપાવવાને બહાને 34 વર્ષની મહિલા પર અનેકવાર બળાત્કાર ગુજારવાના આરોપસર શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
શખસ સાથે અન્ય એક મહિલા, તેનો પતિ અને તેમની પુત્રીનાં નામ પણ એફઆઇઆરમાં આરોપી તરીકે છે. થાણેના માજીવડા વિસ્તારમાં રહેતી પછાત જાતિની મહિલાને ધાકધમકી આપવા અને બ્લેકમેઇલિંગ કરવાનો આરોપીઓ આરોપ છે. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: યુવતી પર બળાત્કાર: આરોપીની ગર્લફ્રેન્ડે આ કૃત્યનો વીડિયો બનાવી વાયરલ કર્યો
આરોપીઓ ત્રણ વર્ષ અગાઉ પીડિત મહિલાના સંપર્કમાં આવ્યા હતા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉચ્ચ હોદ્દા પરના લોકો સાથે તેમના સારા સંબંધ હોવાનો દાવો કર્યો હતો, એમ કાપુરબાવડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આરોપી મહિલાએ પીડિતાને મોટી સ્ટાર બનાવવાનું વચન આપ્યું હતું. પીડિતાને સિંગાપોર લઇ જઇને એક પુરુષ સાથે તેની ઓળખાણ કરાવી હતી, જે ખૂબ પ્રભાવશાળી હોવાનું કહેવાયું હતું.
દરમિયાન સિંગાપોરમાં પીડિતાને એ પુરુષ પોતાના ઘરે લઇ ગયો હતો, જ્યાં તેને ઠંડુંપીણું અપાયું હતું અને બાદમાં પીડિતા પર બળાત્કાર ગુજારાયો હતો. એ ઉપરાંત પીડિતા પર મુંબઈ તથા અન્ય વિસ્તારમાંની હોટેલમાં પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:શિક્ષિકા પર બળાત્કારના આરોપસર શૈક્ષણિક સંસ્થાના સ્થાપકની ધરપકડ…
આરોપી મહિલાએ પીડિતાના વાંધાજનક પૉઝમાં ફોટા પાડી લીધા હતા અને તેને આધારે પીડિતાને બ્લેકમેઇલ કરવામાં આવી રહી હતી.
બાદમાં આરોપી મહિલા, તેનો પતિ અને તેમની પુત્રી પીડિતાને વારંવાર કૉલ કરી બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં હતાં. પીડિતાની જાતિ પરથી પણ ગાળાગાળી કરવા લાગ્યાં હતાં.
દરમિયાન પીડિતાની ફરિયાદને આધારે પોલીસે શનિવારે ચારેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.
(પીટીઆઇ)