કોર્ટમાંથી વકીલોની કીમતી વસ્તુઓ ચોરવા પ્રકરણે મહિલા વકીલની ધરપકડ
મુંબઈ: વિવિધ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટ, મુંબઈ સેશન્સ કોર્ટ અને બૉમ્બે બાઈ કોર્ટમાં વકીલોની કીમતી વસ્તુઓ કથિત રીતે ચોરવા પ્રકરણે કુર્લા પોલીસે મહિલા વકીલની ચેમ્બુરથી ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ વકીલ બબિતા મલિક (37) આર્થિક સંકડામણમાં હતી. કોઈ ક્લાયન્ટ્સ મળતાં ન હોવાથી તે ડિપ્રેશનમાં હતી. પરિણામે બબિતા કોર્ટ મેટરમાં વ્યસ્ત અન્ય વકીલો અને ક્લાયન્ટ્સની કીમતી વસ્તુઓ ચોરવા લાગી હતી.
ટ્રોમ્બેમાં રહેતી ફરહીન હિમાયત અલી ચૌધરી (28) બુધવારે કુર્લા કોર્ટમાં ગઈ હતી. ચૌધરી કોર્ટમાં હતી ત્યારે તેની અને તેની ફ્રેન્ડની બૅગ ચોરાઈ હતી, જેમાં 42 હજાર રૂપિયાની મતા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી કોર્ટમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. વકીલનાં કપડાં પહેરેલી આરોપીને કોર્ટમાં હાજર વકીલોએ ઓળખી કાઢી હતી. ચેમ્બુરથી પકડાયેલી આરોપી પાસેથી ચોરીની મતા હસ્તગત કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછમાં આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો બૉમ્બે હાઈ કોર્ટમાંથી વકીલની બૅગ ચોરીનો કેસ પણ ઉકેલાયો હતો.
અપરિણીત બબિતા નાણાંભીડને કારણે ડિપ્રેશનમાં આવી ગઈ હતી, જેને પગલે તે હાથફેરો કરવા લાગી હતી, એવું પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું. કોર્ટે તેને 20 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.