શિશુ અવસ્થાની પુત્રીના હત્યાના કેસમાં મહિલાને જામીન
મુંબઈ: ચાર મહિનાની પુત્રીની હત્યાની આરોપી ૩૩ વર્ષની મુંબઈની મહિલાને બોમ્બે હાઈ કોર્ટે મંગળવારે જામીન આપ્યા હતા. કાળાચોકી પોલીસ સ્ટેશને ૩૦ નવેમ્બર, ૨૦૨૧ના દિવસે અપહરણ અને હત્યાનો કેસ નોંધી સપના મગદુમની બીજી ડિસેમ્બર, ૨૦૨૧ના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. હાઇ કોર્ટના ન્યાયમૂર્તિ એમ. એસ. કર્ણીકે આરોપી સામેનો કેસ સાંયોગિક પુરાવા પર આધારિત હોવાનું નિરીક્ષણ કરી એની જામીન અરજી મંજૂર કરી હતી. જામીન અરજીનો વિરોધ કરનાર સરકારી વકીલ વીરા શિંદેએ જણાવ્યું હતું કે આ એક ગંભીર કેસ છે જેમાં એક મહિલા તેની શિશુ અવસ્થાની પુત્રીના મૃત્યુ માટે જવાબદાર છે. મુંબઈ સેશન્સ કોર્ટે ચાર ઑગસ્ટ, ૨૦૨૨ના દિવસે સપનાની જામીન અરજી નામંજૂર કરી હતી.સપનાના વકીલે દલીલ કરી હતી કે પોતાને પુત્ર જોઈતો હતો અને એટલે ગુનો કર્યો હોવાની તેણે કરેલી કબૂલાત એ એકમાત્ર બાબત તેની વિરુદ્ધનું મજબૂત કારણ હતું જેને પગલે પોલીસ તેના ઘરે ગઈ હતી અને બાળકીનો મૃતદેહ બીજી ડિસેમ્બર, ૨૦૨૧ના દિવસે પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. જોકે, ત્રણ દિવસ પહેલા પોલીસે સ્થળ પર પંચનામું કર્યું ત્યારે ટાંકીમાં કોઈ મૃતદેહ નહોતો.