મંદિરમાં આશરો લેનારી મહિલા સાથે ગૅન્ગ રૅપ બાદ હત્યા: ‘પૂજારી’ સહિત ત્રણની ધરપકડ
થાણે: ઘરેલુ વિવાદને કારણે મંદિરમાં આશરો લેનારી મહિલાને ભાંગ ભેળવેલી ચા પિવડાવ્યા બાદ સામૂહિક બળાત્કાર ગુજારી તેની કથિત હત્યા કરવામાં આવી હોવાની હિચકારી ઘટના થાણેમાં બની હતી. દુષ્કર્મની જાણ કોઈને ન થાય તે માટે મહિલાનું ગળું દબાવી તેને ટેકરી પરથી નીચે ફેંકી દેવામાં આવી હોવાનું તપાસમાં સામે આવતાં પોલીસે મંદિરના ‘પૂજારી’ સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી.
શિળ ડાયઘર પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ શામસુંદર પ્યારચંદ શર્મા (62), સંતોષ રામયજ્ઞ મિશ્રા (45) અને રાજકુમાર રામફેર પાંડે (54) તરીકે થઈ હતી. આરોપી શર્મા રાજસ્થાનનો, જ્યારે મિશ્રા અને પાંડે ઉત્તર પ્રદેશના વતની હોવાનું તપાસમાં જણાયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ નવી મુંબઈના બેલાપુરમાં રહેતી 30 વર્ષની પરિણીત મહિલા ઘરેલુ વિવાદને કારણે માનસિક તાણમાં હતી. 6 જુલાઈએ ઘરથી નીકળેલી મહિલા એકાએક ગુમ થઈ ગઈ હતી. શોધખોળ કર્યા છતાં તેની કોઈ ભાન મળતાં પિતાએ મહિલા ગુમ થયાની ફરિયાદ એનઆરઆઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
આ પણ વાંચો : થાણેમાં બનાવાશે World Calss zoo
દરમિયાન મંગળવારે મહિલાનો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં થાણેમાં શિળગાંવ સ્થિત ટેકરીની તળેટીમાંથી મળી આવ્યો હતો. તેના શરીર પર ઇજાનાં નિશાન હતાં. આ પ્રકરણે શિળ ડાયઘર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ટેકરી પર આવેલા મંદિર આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં વાયર તોડી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે તળેટીમાં લાગેલા કૅમેરાનાં ફૂટેજ જોતાં મહિલા ટેકરી પર જતી નજરે પડે છે, પરંતુ તે પાછી નીચે ઊતરી નહોતી.
શંકાને આધારે પોલીસે મંદિર પરિસર અને પાસેની ગૌશાળામાં સેવા કરનારા બે સેવકને તાબામાં લીધા હતા. શરૂઆતમાં ઉડાઉ જવાબ આપનારા બન્ને સેવકે પછી ગુનો કબૂલ્યો હતો. બન્ને આરોપીએ તેમનો ત્રીજો સાથી શર્મા ઘટના બાદ મુંબઈ જતો રહ્યો હોવાનું કહ્યું હતું. પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી શર્માને ટ્રોમ્બેના ચિતા કૅમ્પ ખાતેથી તાબામાં લીધો હતો. મંદિરનો પૂજારી ઉત્તર પ્રદેશ સ્થિત વતન ગયો હોવાથી શર્માને મંદિર સંભાળવાની જવાબદારી સોંપી ગયો હતો.
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે 6 જુલાઈએ મંદિરમાં આવેલી મહિલાએ રાતે ત્યાં જ આશરો લીધો હતો. બીજી સવારે આરોપીઓએ મહિલાની ચામાં ભાંગ ભેળવી હતી. અર્ધબેભાન અવસ્થામાં મહિલા સાથે આરોપીઓએ દુષ્કર્મ કર્યું હતું. ભાનમાં આવેલી મહિલાએ બૂમાબૂમ કરવા જતાં આરોપીઓએ તેની મારપીટ કરી ગળું દબાવ્યું હતું. પછી તેને ટેકરી પરથી નીચે ફેંકી દીધી હતી.