સાંતાક્રુઝમાં બેઝમેન્ટના પાર્કિંગમાં લાગેલી આગમાં મહિલાનું મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાંતાક્રુઝ (પશ્ર્ચિમ)માં મિલન સબવે પાસે આવેલી ગ્રાઉન્ડ પ્લસ છ માળની ઈમારતના બેઝમેન્ટ એરિયામાં ગુરુવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં બે મહિલાઓ ફસાઈ ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન ફાયરબ્રિગેડને ૪૭ વર્ષની મહિલાનો મૃતદેહ હાથ લાગ્યો હતો. મૃતકનું નામ તારા ચીમનલાલ વાઘેલા હોવાનું જાણવા મળ્યું હતું.ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ એસ.વી.રોડ પર મિલન સબવે પાસે ગ્રાઉન્ડ પ્લસ છ માળની ધીરજ હેરિટેજ શોપિંગ સેન્ટર નામની બિલ્િંડગ આવેલી છે. પાલિકાના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગ કર્મશિયલ છે, જેમાં બેંક, દુકાનો અને શોરૂમ આવેલા છે. ગુરુવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ બિલ્ડિંગના બેઝમેન્ટમાં રહેલા પાર્કિંગ વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી તેના ધુમાડા દેખાઈ રહ્યા હતા.
આગની જાણ થતા જ ફાયરબ્રિગેડના સાત ફાયર ઍન્જિન, પાંચ વોટર જેટલી સહિતના વાહનો બિલ્િંડગના બેઝમેન્ટમાં રહેલા પાર્કિંગ વિસ્તારમાં બચાવ કામગીરી માટે પહોંચી ગયા હતા. આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ ૭.૩૦ વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી.
ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. બિલ્ડિંગમાં દુકાન ધરાવતા યુવકના જણાવ્યા મુજબ મૃતક મહિલા બિલ્ડિંગમાં જ ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેલી બેંકમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતી હતી. આગ લાગ્યા બાદ તે ગ્રાઉન્ડ ફ્લોરમાં બેંકમાં રહેલા વોશરૂમમાં ફસાઈ ગઈ હતી અને ધુમાડાને કારણે ગૂંગળાઈ જવાને કારણે તે બેહોશ થઈ ગઈ હતી. આગમાં પહેલા માળે રહેલી ખાનગી ઓફિસને પણ નુકસાન થયું હતું.