મેટ્રોના કામે જીવ લીધો, ખુલ્લા મેનહોલમાં પડી જતાં મહિલાએ જીવ ગુમાવ્યો
મુંબઇઃ રાજ્યમાં ગઈકાલથી ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પણ આ વરસાદ એક મહિલા માટે આફત બન્યો હતો અને તેણે જાનથી હાથ ધોવા પડ્યા હતા.
મુંબઇમાં ભારે વરસાદને કારણે આ આઘાતજનક બનાવ બન્યો હતો, જેમાં એક મહિલાનું મેનહોલમાં પડી જવાથી મોત થયું હતું. મુંબઇના જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ સીપ્ઝ પર મેટ્રો-3નું કામ ચાલી રહ્યું છે. ત્યાં એક મેનહોલનું ઢાંકણું ખુલ્લું હતું. ગઇ કાલે સાંજના ભારે વરસાદના સમયે મહિલા ચાલતા ચાલતા મેનહોલ પાસે પહોંચી હતી. ઢાંકણું ખુલ્લું હોવાની તેને જાણ નહોતી અને તેણે આગળ પગ મૂક્યો કે સીધી મેનહોલમાંથી અંદર સરકી ગઇ હતી. આ ઘટનાની જાણ થતા જ તુરંત ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી હતી. તેમણે બે કલાકની જહેમત બાદ આગળના નાળામાંથી મહિલાને બહાર કાઢી હતી અને તેને હૉસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતક મહિલાની ઓળખ વિમલ ગાયકવાડ (45) તરીકે થઇ છે.
ગઇ કાલથી મુંબઇમાં ભારે વરસાદ થઇ રહ્યો છે, જેને કારણે લોકોને કામધંધેથી ઘરે પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાયેલા હતા અને જાહેર પરિવહન સેવા પણ ખોડંગાઇ ગઇ હતી. વિમલતાઇ પણ તેમનું કામ પતાવી અંધેરી ઈસ્ટથી ઘરે જઇ રહ્યા હતા. ભારે વરસાદમાં તેઓ સિપ્ઝ પાસે પહોંચ્યા. તેઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યાં મેટ્રો માટે ખાડો ખોદવામાં આવ્યો હતો, પણ તેના પર કવર નાખવામાં આવ્યું નહોતું. ક્રોસ કરતી વખતે વિમલતાઇને ખાડાનો અંદાજ નહીં આવ્યો અને તેઓ પડી ગયા અને ત્યાંથી દોઢસો મીટરના અંતર સુધી તણાઇ ગયા હતા.
મહિલા પાણી ભરેલા ખાડામાં પડી હોવાની માહિતી મળતા તુરંત ફાયર બ્રિગેડ આવી પહોંચી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલાને શોધવા માટે સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે લગભગ દોઢથી બે કલાક ચાલ્યું હતું. અંતે મહિલા ખાડાથી દોઢસો મીટર દૂર મળી આવી હતી. તેને તાત્કાલિક કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ MIDC પોલીસે ગુનો નોંધ્યો છે.
આ ઘટના બાદ ફરી એકવાર પ્રશાસન પર સવાલ ઉઠી રહ્યા છે અને આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ મહિલાનું મોત અત્યંત બેદરકારીના કારણે થયું છે.
Also Read –