આમચી મુંબઈ
પરેલમાં ઝાડ તૂટી પડવાથી મહિલાનું મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સતત બીજા દિવસે ઝાડ તૂટી પડવાથી મૃત્યુ થયુ હોવાની દુર્ઘટના બની હતી. મંગળવારે બપોરના પરેલમાં ૫૭ વર્ષની મહિલા પર ઝાડ તૂટી પડતા તેનું મૃત્યુ થયું હતું. મૃતકનું નામ વર્ષા મેસ્ત્રી છે.
મુંબઈમાં હજી સુધી મુસળધાર વરસાદ ચાલુ થયો નથી, છતાં વૃક્ષો તૂટી પડવાની ઘટના બની રહી છે. પરેલમાં સયાની રોડ પરેલ એસટી બસ ડેપોની સામે આ દુર્ઘટના બની હતી.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ મંગળવારે બપોરના ૧.૪૬ વાગ્યાની આસપાસ ફૂટપાથ પાસે મહિલા પર ઝાડની ડાળખી તૂટી પડી હતી. સ્થાનિકો મહિલાની મદદે દોડી આવ્યા હતા અને તેને પરેલમાં આવેલી કે.ઈ.એમ હૉસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં તેને ડૉકટરે મૃત જાહેર કરી હતી. મૃતક મહિલાની ઓળખ વર્ષા કાંતિલાલ મેસ્ત્રી થઈ હતી.