મહિલા કોન્સ્ટેબલે ટ્રેન સાથે ઘસડાતી મહિલાનો જીવ બચાવ્યો: વીડિયો વાયરલ

મુંબઈ: હાર્બર લાઈનના ચુનાભટ્ટી સ્ટેશને મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના જીવના જોખમે ચાલતી લોકલ ટ્રેન સાથે ઘસડાઈ રહેલી મહિલાનો જીવ બચાવ્યો હતો. ટ્રેનમાંથી ઊતરેલી મહિલાનો ડ્રેસ બીજી મહિલા પ્રવાસીની બૅગની ચેનમાં ફસાઈ ગયો હતો અને તે જ વખતે ચાલુ થયેલી ટ્રેન સાથે મહિલા ઘસડાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ પણ વાંચો: કારના બોનેટ પર લટકેલો સોસાયટીનો ચૅરમૅન અમુક અંતર સુધી ઘસડાયો
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની બપોરે ચુનાભટ્ટી રેલવે સ્ટેશનના પ્લૅટફોર્મ નંબર-2 પર બની હતી. પ્લૅટફોર્મ પર ઊભી રહેલી ટ્રેનમાંથી મહિલા પ્રવાસી ઊતરી ત્યારે તેનો ડ્રેસ બીજી મહિલા પ્રવાસીની બૅગની ઝિપમાં ફસાઈ ગયેલો હતો. ડ્રેસ ખેંચવા છતાં ચેનમાંથી છૂટ્યો નહોતો.
કહેવાય છે કે એ જ વખતે ટ્રેન ઝડપભેર ચાલુ થઈ હતી, જેને કારણે મહિલા ટ્રેન સાથે ઘસડાઈ હતી. પ્લૅટફોર્મ પર હાજર પ્રવાસીઓએ મહિલાની મદદ માટે બૂમાબૂમ કરી હતી. એ વખતે ફરજ પર હાજર મહિલા કોન્સ્ટેબલ રૂપાલી કદમ દોડી આવી હતી.
આ પણ વાંચો: આગ્રામાં ટ્રકે બાઇક સવારોને ટક્કર મારી, બે યુવાનોને 300 મીટર સુધી ઘસડી ગઇ, જુઓ કંપારી છૂટે તેવો વીડિયો
કોન્સ્ટેબલ રૂપાલીએ મહિલાને બળપૂર્વક ખેંચી હતી, જેને કારણે ટ્રેનમાંથી મહિલા બહારની તરફ ધકેલાઈ ગઈ હતી. ત્રણેય મહિલા પ્લૅટફોર્મ પર પટકાઈ હતી, પરંતુ સદનસીબે કોઈને ઇજા થઈ નહોતી.
દરમિયાન પ્રવાસીઓનો અવાજ સાંભળી સતર્ક મોટરમૅને તાત્કાલિક ટ્રેન રોકી હતી. પ્લૅટફોર્મ પર લાગેલા સીસીટીવી કૅમેરામાં આ ઘટના કેદ થઈ હતી, જેનો વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ થયો હતો.