આમચી મુંબઈ

વરલીમાં ભરબપોરે મહિલા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો: આરોપી પકડાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: વરલીમાં રસ્તા પરથી પસાર થનારી મહિલા પર ભરબપોરે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવતાં તે ગંભીર રીતે ઘવાઈ હતી. વરલી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સર્ચ ઑપરેશન હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો. ડ્રગ્સના નશામાં તેણે હુમલો કર્યો હોવાની કબૂલાત આરોપીએ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની બપોરે દોઢ વાગ્યાની આસપાસ જે. કે. ગફુર ચોક નજીક સર પોચખાનવાલા રોડ પર બની હતી. 43 વર્ષની મહિલા રસ્તા પરથી ચાલતી જઈ રહી હતી ત્યારે પાછળથી આવેલા અજાણ્યા શખસે તેના પર હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારના ઘા કરવામાં આવતાં મહિલા ગંભીર રીતે ઘવાઈ હતી. સારવાર માટે તેને કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

બનાવની જાણ થતાં વરલી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાક્ષીઓએ આપેલી માહિતી અને ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે પોલીસે આરોપીની ઓળખ મેળવી હતી. ફૂટેજમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. તેણે પહેરેલા ટી-શર્ટ પર ‘સ્કોરર’ લખ્યું હતું.

ફૂટેજ અને આરોપી સંબંધી માહિતીને આધારે પોલીસની ટીમે વરલી નાકા પરિસરમાં તેની શોધ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પ્રેમ નગર પરિસરમાંથી તેને તાબામાં લેવાયો હતો. આરોપીની ઓળખ સચિન ભગવાન અવસરમોલ (37) તરીકે થઈ હતી. સંભાજીનગર જિલ્લાના પટેલ નગર ખાતે રહેતો આરોપી ડ્રગ્સનો બંધાણી હોવાનું જાણવા મળ્યું હતું અને તેણે નશામાં હુમલો કર્યો હોવાનું કબૂલ્યું હતું.

આપણ વાંચો : ‘ઈરાની’ ગૅન્ગના બે કુખ્યાતચેન-સ્નેચરની ધરપકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button