બહેનના ઘરમાંથી 24.42 લાખના ઘરેણાં-રોકડ ચોર્યાં: મહિલાની ધરપકડ

થાણે: થાણે જિલ્લામાં પોતાની બહેનના ઘરમાંથી 24.42 લાખ રૂપિયાનાં ઘરેણાં-રોકડ ચોરવા બદલ 29 વર્ષની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
મુંબ્રા વિસ્તારમાં 31 ઑગસ્ટે ચોરીની ઘટના બની હતી અને પોલીસે આ પ્રકરણે નવી મુંબઈમાં રહેતી મહિલાને ઝડપી પાડી હતી.
મુંબ્રામાં રહેનારી ફરિયાદી ઘર લૉક કરીને પોતાની માતાને મળવા માટે ગઇ હતી. એ સમયે કોઇએ ડુપ્લિકેટ ચાવીની મદદથી ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો અને ઘરેણાં તથા રોકડ સહિત 24.42 લાખ રૂપિયાની મતા ચોરી હતી.
આ પણ વાંચો: સગીરાને કૉલ્ડ કોફી પીવડાવી તેના જ ઘરમાંથી ઘરેણાં ચોર્યાં બેસ્ટ ફ્રેન્ડે
મુંબ્રા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ શિંદેએ જણાવ્યું હતું કે ઘરમાં ફોર્સ એન્ટ્રીના કોઇ નિશાન ન હોવાથી ગુનામાં કોઇ જાણભેદુનો હાથ હોવાની શંકા ગઇ હતી.
પોલીસે બાદમાં ટેક્નિકલ પુરાવા, મોબાઇલ ફોન એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરીને ગુનામાં સંડોવાયેલી મહિલાને આઠ કલાકમાં ઝડપી પાડી હતી.
પૂછપરછમાં મહિલાએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાદમાં તેણે ગુનાની કબૂલાત કરી હતી, જેને પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી.
(પીટીઆઇ)