થાણેમાં બહેનની નવજાત દીકરીને ત્યજી દેવા બદલ મહિલાની ધરપકડ
થાણે: થાણેમાં પોતાની બહેનની નવજાત દીકરીને રસ્તા પર ત્યજી દેવા બદલ 24 વર્ષની મહિલાની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
થાણેના કલવા વિસ્તારમાં ભાસ્કર નગર ખાતેની ચાલ નજીકના રસ્તા પરથી પસાર થનારા કેટલાક લોકોએ બાળકીને પડેલી જોઇ હતી. આથી તાત્કાલિક તેમણે પોલીસને જાણ કરી હતી.
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકીને તાબામાં લીધી હતી, એમ પોલીસ પ્રવક્તા શૈલેશ સાળવીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : લૂંટના કેસમાં એમસીઓસીએ હેઠળના આરોપીને થાણેની કોર્ટે નિર્દોષ છોડ્યા
બાળકીનાં માતા-પિતા વિશે કોઇ જ માહિતી ન હોવાથી પોલીસે એ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીના આધારે છ કલાકમાં બાળકીની માસીને શોધી કાઢી હતી.
પોલીસ અધિકારીઓએ મહિલાની કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બાળકી તેની બહેનની દીકરી છે. મહિલાની બહેનને સારવાર પાલિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, કારણ કે તેને તબીબી સહાયની જરૂર છે, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસે બાળકીની માસી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)