મહિલા મુસાફરો માટે મુલુંડ રેલવે સ્ટેશન પર પહેલું ‘વૂલુ ટોયલેટ’ શરુ
મુંબઇ: મહિલા મુસાફરો માટે છ રેલવે સ્ટેશન પર ખાનગી કંપનીના હાયટેક મહિલા સ્વચ્છતા ગૃહ શરુ કરવાનો નિર્ણય મધ્ય રેલેવેએ કેટલાંક મહિનાઓ પહેલા લીધો હતો. જે અંતર્ગત ગુરુવારથી મુલુંડ રેલવે સ્ટેશન પાસે સ્વતંત્ર વુમન્સ પાવડર રુમ (વૂલુ) શરુ કરવામાં આવ્યો છે. આ વુમન્સ પાવડર રુમમાં એક જ છત નીચે મહિલાઓને સુરક્ષાસહિત વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઉપનગરીય રેલવેને દેશની આર્થિક રાજધાની કહેવાત મુંબઇની લાઇફલાઇન માનવામાં આવે છે. દિવસના 75 લાખ લોકો આ લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. જેમાં લગભગ 20 લાખથી વધુ મહિલા મુસાફરો સંખ્યા છે. જોકે રેલવે સ્ટેશન પર આવેલા મોટાભાગના મહિલા સ્વચ્છતા ગૃહોનીની પરિસ્થિતી ખૂબ જ ખરાબ છે. કેટલાંક સ્ટેશનો પર તો સ્વચ્છતા ગૃહો માત્ર નામ માટે છે. પાણી ન હોવું, લાઇટ બંધ હોવી, દુર્ગંધ વગેરે જેવી સમસ્યાઓ તો કાયમી છે. મહિલા મુસાફરોની સરખામણીમાં સ્વચ્છતાગૃહોની સંખ્યા ઓછી છે. એમાં પણ મહિલાઓ પાસેથી આવા સ્વચ્છતાગૃહોના ઉપયોગ માટે પૈસા લેવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા સ્વચ્છતા ગૃહોમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોવાથી મોટાભાગની મહિલાઓ તેનો ઉપયોગ કરવાનું ટાળે છે. અથવા તો ખૂબ જ ઇમરજન્સી આવે તો જ તેનો ઉપયોગ કરે છે. ત્યારે હવે મહિલાઓની આ તકલીફને ધ્યાનમાં લઇને મધ્ય રેલવેએ ખાનગી કંપનીઓની મદદથી છ રેલવે સ્ટેશન પર અત્યાધુનિક મહિલા સ્વચ્છતાગૃહ શરુ કરવાનો નિર્ણય લીધો છે.
રેલવે સ્ટેશન પર ખાનગી વાતાનુકૂલિત મહિલા સ્વચ્છતાગૃહના વન ટાઇમ યુઝ માટે અંદાજે પાંચ રુપિયા ચૂકવવાના રહેશે. ઉપરાંત અહીં માસીક પાસની સુવિધા પણ ઉપલબ્ધ છે. ભવિષ્યમાં અનેક સ્થળોએ વૂલૂ ટોયલેટ શરુ થશે. તેથી એક જ પાસ પર મહિલાઓ કોઇ પણ સ્ટેશન પર વૂલૂ ટોયલેટનો ઉપયોગ કરી શકશે.
મધ્ય રેલવે લાઇન પર આવેલ એલટીટી, ઘાટકોપર, કાંજુરમાર્ગ, થાણે, માનખુર્દ અને ચેંબુર જેવા છ રેલવે સ્ટેશન પર પણ વુમન્સ પાવડર રુમ શરુ કરવામાં આવનાર છે. ત્યાર બાદ તબક્કાવાર અન્ય સ્ટેશનો પર પણ મહિલાઓ માટે વૂલૂ ટોયલેટ શરુ કરવામાં આવશે.
વૂલૂ પાશ્ચાત્ય દેશોની સંકલ્પના છે. જેમાં મહિલાઓ માટે પ્રસાધનગૃહ, સેનેટરી પેડ્સ, પાણીની બોટલ્સ, ચા-કોફી, સિવિંગ કિટ, બ્યુટી પ્રોડક્ટ્સ, સેનેટાઇઝર, હળવું સંગીત, ચોકલેટ્સ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. જેના માટે મહિલીઓએ પૈસા પે કરવા પડશે. ઉપરાંત સૌદર્ય પ્રસાધનો પણ મળી રહેશે.