મુંબઈમાં શિયાળો સમાપ્ત!
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આ વર્ષે મુંબઈગરાને શિયાળાની કડકડતી ઠંડીનો અનુભવ કરવા મળ્યો નથી. ઠંડીની રાહ જોનારાને નિરાશ થવું પડયું છે. શિયાળાની મોસમ મુંબઈમાં લગભગ પૂરી થઈ ગઈ છે. રવિવારે દિવસ દરમિયાન સામાન્ય દિવસ કરતા પણ તાપમાન વધુ રહ્યું હતું. હવામાન ખાતાના અંદાજા મુજબ ઠંડા અને હુંફાળા દિવસ પૂરા થઈ ગયા છે અને આગામી દિવસમાં આકરી ગરમી પડવાની શક્યતા છે.
રવિવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૪.૩ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધારે રહ્યું હતું. આ દરમિયાન કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૪ ડિગ્રી નોંધાયું હતું,
જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધુ રહ્યું હતું. એક દિવસ પહેલાં શનિવારે કોલાબા અને સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી અને ૩૩.૮ ડિગ્રી નોંધાયું હતું. જે અનુક્રમે ૨.૮ ડિગ્રી અને ૨ .૨ ડિગ્રી વધારે હતું.
આ દરમિયાન શહેરમાં નોંધાયેલું રાતનું લઘુતમ તાપમાન સામાન્ય કરતા વધુ હતું, જેમાં કોલાબા અને સાંતાક્રુઝમાં અનુક્રમે ૨૨ ડિગ્રી અને ૨૧.૧ ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાના નિષ્ણાતના કહેવા મુજબ આ વર્ષે મુંબઈ માટે શિયાળો બહુ ખાસ રહ્યો નહોતો. લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી સુધી જ નીચે ગયું હતું. જોકે હવે મુંબઈમાં શિયાળો પૂરો થઈ ગયો છે.