…તો પૂર્વ-પશ્ચિમ ઉપનગરોમાં થશે પાણી પુરવઠાનો બંધ? Election Commission છે જવાબદાર

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના પાણી વિભાગમાં પૂર્વ અને પશ્ચિમી ઉપનગરોના નાગરિકોને ત્રણ તબક્કામાં પાણી છોડવાનું કામ કરતા ચાવીવાળાને ચૂંટણીની કામગીરીમાં ગેરહાજર રહેવા બદ્દલ મદદનીશ ચૂંટણી અધિકારીઓએ નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે. જો પાણી છોડનારાઓને ઈલેક્શન ડ્યૂટી સોંપવામાં આવશે તો પાણી છોડવાની કામગીરી કોણ કરશે તેવો પ્રશ્ન ઉભો થયો છે. દરમિયાન, ચૂંટણી માટે ચાવીવાળાની નિમણૂક રદ કરવા વિનંતી પત્ર મહાનગરપાલિકાએ ઉપનગરીય કલેક્ટર કચેરીને મોકલ્યો હતો, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
સાત ડેમમાંથી પાણી મુખ્ય ચેનલો દ્વારા ભાંડુપ જળશુધ્ધીકરણ કેન્દ્રમાં લાવવામાં આવે છે. ત્યાં ટ્રીટેડ પાણીને કેનાલોના નેટવર્ક દ્વારા મુંબઈવાસીઓના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. મુંબઈગરાઓને દરરોજ ૩,૯૫૦ મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે.
મુંબઈના વિવિધ વિભાગોને ત્રણ તબક્કામાં શુદ્ધિકરણ કરેલ પાણી પૂરું પાડવામાં આવે છે. આ કામમાં ચાવીવાળાઓની ભૂમિકા મહત્વની છે. પાણી વિભાગની ચોક્કસ ચાવી દ્વારા પાણી પુરવઠો ચાલુ અને બંધ કરવામાં આવે છે. તેના માટે, ચાવીને અમુક ચોક્કસ સંખ્યામાં ફેરવવાની જરૂર છે. આમ કરવામાં નાની ભૂલ પાણી પુરવઠાને અસર કરી શકે છે. આ ચોક્કસ કામ માટે ચાવીવાળાઓની નિમણૂક કરવામાં આવે છે.
સમગ્ર મુંબઈમાં પાણી વિભાગના ચાવીવાળાઓની લોકસભા ચૂંટણી માટે નિમણૂંક કરવામાં આવી હતી. બાદમાં મુંબઈ શહેરના કલેકટરે ચાવીવાળાઓને ચૂંટણીના કામમાંથી મુક્ત કર્યા હતા. પરંતુ પૂર્વ અને પશ્ચિમી ઉપનગરીય જિલ્લાઓમાં ચૂંટણી કાર્ય માટે નિયુક્ત કરાયેલા ચાવીવાળાની નિમણૂંકો રદ કરવામાં આવી નથી.
આ અંગે મહાનગરપાલિકાએ સબર્બન કલેક્ટર કચેરીને પત્રવ્યવહાર પણ કર્યો હતો. પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ, મદદનીશ ચૂંટણી રિટર્નિંગ અધિકારીઓએ પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં ચાવીવાળાઓને કારણ બતાવો નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે.