શરદ પવાર જૂથના બાકીના વિધાનસભ્યો પણ મહાયુતિમાં જોડાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અજિત પવારની સાથે 42 વિધાનસભ્યો શિંદે- ફડણવીસની સરકારમાં જોડાયા તેને ગણતરીના મહિના થયા છે ત્યાં હવે શરદ પવારની સાથે રહેલા બાકીના વિધાનસભ્યો પણ હવે સરકારમાં જોડાઈ જાય એવી આગાહી કરવામાં આવી હોવાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ ફેલાઈ ગયો છે.
એનસીપીમાં ભંગાણ પડ્યું અને અત્યારે પાર્ટીનું ચિહ્ન અને નામ અંગેની લડાઈ ચૂંટણી કમિશન સામે ચાલી રહી છે ત્યારે બીજી તરફ શરદ પવારે કોઈપણ સ્થિતિમાં ભાજપ સાથે જવાનો સ્પષ્ટ નનૈયો ભણી દીધો છે. બીજી તરફ શિંદે જૂથના નેતા અને રાજ્યના પ્રધાન શંભુરાજે દેસાઈએ સોમવારે એવું નિવેદન કર્યું હતું કે શરદ પવાર જૂથના નેતાઓ મહાયુતિ સરકારમાં સામેલ થવા માટે ઈચ્છુક છે. આ નેતાઓએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે ચર્ચા ચાલુ કરી છે અને દિવાળી નજીક આવી છે ત્યારે મોટો ધમાકો થશે, એમ પણ તેમણે કહ્યું હતું.
શંભુરાજ દેસાઈએ કહ્યું હતું કે `એનસીપીના (શરદ પવાર જૂથના) કેટલાક નેતાઓ મહાયુતિની સરકારમાં સામેલ થવા માટે ઈચ્છુક છે. આવા ઘણા લોકો છે. અમારા બે-ત્રણ જે મહત્ત્વના નેતા છે તેમની સાથે અંતર્ગત ચર્ચા ચાલી રહી છે. એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે સંબંધિત નેતાઓની ચર્ચા ચાલી રહી છે.
દિવાળી નજીક આવી છે તેને કારણે ધમાકો ચાલુ થયો છે. દશેરામાં પણ આપણે જોરદાર ધમાકા કરતા હોઈએ છીએ. ઉત્સાહ ઉજવવામાં આવે છે. આથી અજિત પવારના નેતૃત્વ હેઠળ નવ પ્રધાને શપથ લીધા હતા. આવું જ ફરી થવાની શક્યતા નકારી શકાતી નથી, એમ પણ તેમણે કહ્યું હતું. શંભુરાજ દેસાઈના આ દાવા બાદ હવે અનેક રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે.