એમએમઆરડીએ હાથ ઉપર કરી દેતા દહિસર-ભાઈંદર લિંક રોડનો પ્રોજેક્ટ અટવાઈ પડશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહિસર (પશ્ર્ચિમ) કાંદરપાડા લિંક રોડથી ભાઈંદર (પશ્ર્ચિમ) સુભાષચંદ્ર બોઝ ઉદ્યાન સુધી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા એલિવેટેડ રોડ બાંધવામાં આવવાનો છે, તે માટે જુદા જુદા કર સહિત ૪,૦૨૭ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. આ પ્રોેજેક્ટ માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવશે એવો દાવો પાલિકાએ કર્યો હતો. જોકે હવે તેણે આ રકમ આપવાથી હાથ ઉપર કરી દીધા છે. એમએમઆરડીએ તરફથી આ પ્રોજેક્ટ માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં અસમર્થતા હોવાને લગતો પત્ર આવ્યો હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર પી.વેલરાસુએ બુધવારે જણાવ્યું હતું.
ગયા અઠવાડિયામાં એમએમઆરડીએ પાલિકાને પત્ર મોકલીને આ પ્રોજેક્ટનો ખર્ચ આપવો તેની માટે શક્ય ન હોવાનું જણાવ્યું હતું. તેથી પહેલાથી જ આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી પાલિકા માટે આ પ્રોજેક્ટ માટે મોટું ભંડોળ ફાળવવું અને તેને અમલમાં મૂકવો મુશ્કેલ થઈ ગયું છે. તેથી હવે આ પ્રોજેક્ટનો વીટો વળાઈ જશે કે કેમ એવો સવાલ થઈ રહ્યો છે, કારણકે પહેલાથી પાલિકાની આવકને મોટો ફટકો પડ્યો છે. પાલિકાએ હાલ અનેક મોટા વિકાસક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યા છે, તેની માટે તેણે પોતાની ફિક્સ ડિપોઝિટને પણ તોડી છે. હવે વધુ એક પ્રોજેક્ટ માટે ભંડોળ ઊભું કરવું માટે પાલિકા માટે માથાનો દુખાવો સાબિત થવાનો છે.
એમએમઆરડીએ મુંબઈ શહેરના પશ્ર્ચિમથી સુભાષચંદ્ર બોઝ ઉદ્યાન, ભાઈંદર (પશ્ર્ચિમ) સુધી જોડનારા એલિવેટેડ રોડ પ્રોજેક્ટનું કામ હાથમાં લીધું હતું. પરંતુ આ પ્રોજેક્ટનું કામ તે શરૂ કરી સકી નહીં. આ પુલને જોડનારા માર્ગમાં પાલિકાની હદ ૧,૪૮૦ મીટર લંબાઈની હોઈ મિરા-ભાઈંદર મહાનગરપાલિકાની હદ ૩,૧૦૦ મીટરની છે. તે માટે પહેલી ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવ્યા બાદ બીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. તે મુજબ જુદા જુદા કર સહિત ૪,૦૨૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે. આ કામ માટે બે કંપની પણ નક્કી કરી દેવામાં આવી હતી.
દહિસર-ભાઈંદર લિંક રોડના બાંધકામમાં મુંબઈ મહાનગરપાલિકાની હદમાં ૧.૫ કિલોમીટરનો એલિવેટેટ રોડ અને મિરા-ભાઈંદર મહાનગરપાલિકાની હદમાં ૩.૫ કિલોમીટરનો એલિવેટેડ રોડ આવે છે. આ સંપૂણ પ્રોજેક્ટને પાલિકા અમલમાં મૂકવાની છે. તો મિરા-ભાઈંદરની હદમાં આ પ્રોજેક્ટનો ખર્ચ એમએમઆરડીએ પાલિકાને આપવાની હતી એવું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે હવે તેણે હાથ ઉપર કરી દેતા પાલિકા માટે આ પ્રોજેક્ટને અમલમાં મૂકવુ મુશ્કેલ સાબિત થવાનું છે.