રિડેવલપમેન્ટના રહેવાસીઓને મહારેરાનું રક્ષણ મળશે?
મુંબઈ: મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે વગેરે શહેરોમાં જૂની ઇમારતોના પુન:વિકાસના પ્રકલ્પો માટે પણ ‘મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ ઓથોરિટી’ (મહારેરા) અન્વયે રક્ષણ પૂરું પાડવા બાબત ‘રેરા’ અધિકારીઓ દ્વારા મોકલાયેલી દરખાસ્ત ઉપર રાજ્યના ન્યાય અને કાયદા વિભાગે અનુકૂળ અને પ્રતિકૂળ એમ બંને પ્રતિભાવો મોકલીને મૂંઝવણ ઊભી કરી હતી. જો કે, આ પ્રતિસાદને અવગણીને, સરકાર રિડેવલપમેન્ટના રહેવાસીઓને મહારેરાનું રક્ષણ આપવા માટે અનુકૂળ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જો આમ થશે તો રિડેવલપમેન્ટ પ્રકલ્પોના અનેક રહીશોને રાહત થશે.
રાજ્યમાં રેરા એક્ટ લાગુ થયાને હવે છ વર્ષ થઈ ગયા છે. મહારાષ્ટ્ર સિવાયના મોટાભાગના રાજ્યોમાં રેરા કાયદા હેઠળ પુન:વિકાસના રહેવાસીઓને સુરક્ષા ઉપલબ્ધ છે. રેરા એક્ટની કલમ ૩ (૨) (ક) જણાવે છે કે પુન:વિકાસ પ્રોજેક્ટ માટે મહારેરા નોંધણીની કોઈ જરૂર નથી જેમાં નવા ફ્લેટનું માર્કેટિંગ, જાહેરાત, વેચાણ અથવા વિતરણ ન હોય. આ મુદ્દે મહારેરાની મડાગાંઠને કારણે રિડેવલપમેન્ટના રહેવાસીઓને રક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું હતું. જો કે, મુંબઈ ગ્રાહક પંચાયતે મહારેરાના તત્કાલિન પ્રમુખ ગૌતમ ચેટરજી સમક્ષ રેરા એક્ટ કેવી રીતે પુનર્વિકાસના રહેવાસીઓને લાગુ પડે છે અને પુનર્વિકાસ પ્રોજેક્ટ્સની નોંધણી પણ જરૂરી છે તે અંગે રજૂઆત કરી હતી. અંતે, ચેટર્જીએ આ પ્રસ્તાવ સરકારને મંજૂરી માટે મોકલ્યો. આ દરખાસ્ત હાઉસિંગ વિભાગ દ્વારા ન્યાય અને કાયદા વિભાગને અભિપ્રાય માટે મોકલવામાં આવી હતી. એક વિભાગે સાનુકૂળ પ્રતિસાદ આપ્યો હતો જ્યારે બીજા વિભાગે પ્રતિકૂળ પ્રતિસાદ આપ્યો હોવાથી, હાઉસિંગ વિભાગમાં ગૂંચવણ ઊભી થઇ હતી. જો કે ન્યાય અને કાયદા વિભાગના સચિવે સ્પષ્ટતા કરી છે કે પુનર્વસનમાં વિનામૂલ્યે આપવામાં આવેલા મકાનો રેરા કાયદા હેઠળ આવરી લેવામાં આવતા નથી, પરંતુ સરકાર પુનર્વસનના રહેવાસીઓને મહારેરાનું રક્ષણ પૂરું પાડવાની તરફેણમાં છે. હાઉસિંગ વિભાગના સૂત્રોએ ધ્યાન દોર્યું હતું કે ન્યાય અને કાયદા વિભાગનો પ્રતિકૂળ અભિપ્રાય હોવા છતાં સરકાર પોતાના સ્તરે નિર્ણય લઈ શકે છે.