રાજ ઠાકરેનો શું છે ‘ગેમ પ્લાન’? નેસ્કો ગ્રાન્ડની સભા પર કેમ છે બધાની નજર?

મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બિનશરતી ટેકો આપનારા રાજ ઠાકરે વિધાનસભાની ચૂંટણી પોતે લડવા માટે તૈયાર છે અને પોતાના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ને પણ ચૂંટણી માટે તૈયાર કરી રહ્યા છે.
જોકે 13 ઓક્ટોબરના રોજ રાજ ઠાકરેએ એક મહત્ત્વની બેઠક યોજી છે અને તેના પર બધાની જ નજર છે. આ બેઠકમાં રાજ ઠાકરે શું નિર્ણય લેશે તેની ચર્ચા અત્યારથી જ થઇ રહી છે. રાજ ઠાકરેએ કોલ્હાપુર, સાંગલી, પુણે સહિતના વિસ્તારોના તેમના પક્ષના મહત્ત્વના પદાધિકારીઓની બેઠક સોમવારે બોલાવી હતી. 13 ઓક્ટોબરના રોજ ગોરેગાંવના નેસ્કો ગ્રાઉન્ડમાં તે એક મોટી સભા યોજશે અને એક રીતે આ તેમના પક્ષનું શક્તિપ્રદર્શન હશે તેેવુંં પણ કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : મોદીજી દેશનું ગૌરવ, જ્યારે તેઓ મહારાષ્ટ્રમાં આવે ત્યારે ખાલી હાથે આવતા નથી: એકનાથ શિંદે
પોતાના તીખા ભાષણો માટે જાણીતા રાજ ઠાકરે નેસ્કો ગ્રાઉન્ડની સભામાં શું બોલશે તેના પર બધા જ પક્ષની નજર છે. લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ટેકો આપનારા રાજ ઠાકરે વિધાનસભાની ચૂંટણીમં પોતે ઝંપલાવી રહ્યા છે ત્યારે તેમની રણનીતિ શું રહેશે તેના વિશે પણ ચર્ચા થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે 25 ઑગસ્ટના રોજ રાજ ઠાકરેએ નિવેદન આપ્યું હતું કે તેમનો પક્ષ 200થી 225 બેઠકો પરથી ચૂંટણી લડશે અને હવે આ બેઠક પર ઊભા થનારા ઉમેદવારો મહાયુતિના ઉમેદવારોની વિરુદ્ધની ચૂંટણી લડશે કે શું તેના વિશે તર્ક વિતર્ક થઇ રહ્યા છે.