…તો બદલાપુરથી નવી મુંબઈ 20 મિનિટમાં પહોંચવાનું શક્ય બનશે, જાણો કઈ રીતે?

મુંબઈઃ વડોદરા-જેએનપીટી નેશનલ હાઇ-વેના બાંધકામને કારણે બદલાપુરથી નવી મુંબઈનો સફર માત્ર 20 મિનિટમાં પૂર્ણ કરી શકાશે. થોડા સમયથી કોઈ કારણસર આ હાઇ-વેનું કામ રખડી પડ્યું હતું, પણ હવે કામ ફરી શરૂ થવાથી બદલાપુરથી નવી મુંબઈની મુસાફરી કરનારા લોકોને તેનો ઘણો લાભ થવાનો છે.
આ નેશનલ હાઇ-વેના કામકાજ અંગે એક અધિકારીએ કહ્યું હતું કે બદલાપુરના બેન્દશીલ ગામ નજીકથી પસાર થતાં આ હાઇ-વેને નવી મુંબઈ સુધી એક ટનલ વડે કનેક્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનું કામ લગભગ 50 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. આગામી વર્ષ સુધી હાઇ-વેને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવતા વિસ્તારની કનેક્ટિવિટીમાં પણ સુધારો આવશે.
120 મીટર પહોળા, 189 કિલોમીટર લાંબા આઠ લેનવાળા વડોદરા-જેએનપીટી નેશનલ હાઇ-વેનું કામકાજ પણ રાજ્યના બીજા પ્રોજેકટની જેમ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ હાઇ-વે બદલાપુર શહેરથી પસાર થવાની સાથે વડોદરા અને જયપુર જેવા શહેરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને જોડતા સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને પણ પ્રવાસ કરવામાં સરળતા થશે.
હાલમાં બેન્દશીલ ગામને બદલાપુર શહેર, નવી મુંબઈ, મુંબઈ, પાલઘર અને ગુજરાતથી જોડતા આ હાઇ-વે ટનલના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેકટ વિશે અધિકારીએ કહ્યું હતું કે આ ટનલ હાઇવેનું કામ પૂર્ણ થતાં બદલાપુરથી નવી મુંબઈનો સફર માત્ર 20 મિનિટમાં પૂર્ણ થવાની સાથે વિસ્તારનો આર્થિક વિકાસ પણ થશે. નવા લોજિસ્ટિક અને ઈન્ડસ્ટ્રી હબ તરીકે ઉભરેલા બદલાપુર શહેરનો વિકાસનો વિકાસ પણ આ હાઇવેને કારણે થશે એવી આશા અધિકારીએ વ્યકત કરી હતી.