એનસીપીના સર્વ વિધાનસભ્ય પાત્ર ઠરશે?
મુંબઈ: કેન્દ્રીય ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષનું નામ અને ચૂંટણી ચિહ્ન ઘડિયાળ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને આપ્યું હોવાથી આ નિર્ણયના આધારે વિધાનસભ્યોના અપાત્રતાની સર્વ અરજી રદ કરવામાં આવશે એવા ચિહ્નો છે. બંધારણના દસમા પરિશિષ્ટ અનુસાર વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા તેમણે વિધાનસભામાં પક્ષાદેશ (વ્હીપ)નો ભંગ કર્યો છે કે નહીં અને એમનું જાહેર વર્તન પક્ષના વિરોધમાં અથવા વિરોધ પક્ષ સાથે હાથ મેળવવા અંગેનું છે કે કેમ એ નિષ્કર્ષના મુખ્ય મુદ્દા હોય છે. શરદ પવાર તેમજ અજિત પવાર જૂથ પાસે કેટલા વિધાનસભ્યો છે એ હજી સિદ્ધ નથી થયું. સુપ્રીમ કોર્ટે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને અપાત્રતા અરજીઓ પર નિર્ણય આપવા માટે ૧૫ ફેબ્રુઆરી સુધીની મુદત આપી છે. વિધાનસભાનું બજેટ અધિવેશન ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું હોવાથી અધ્યક્ષ નિર્ણય આપે ત્યાં સુધી સભાગૃહમાં પક્ષના વ્હીપનો ભંગ કરવાનો મુદ્દો ઉપસ્થિત નહીં થાય. જોકે, અજિત પવારને મૂળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ ઠેરવવામાં આવ્યો હોવાથી તેમજ એ ભાજપ – શિવસેના સરકાર સાથે સહભાગી થયો હોવાથી શરદ પવાર જૂથના વિધાનસભ્યોએ પક્ષની આ ભૂમિકાના વિરોધમાં વર્તન કર્યું તો અથવા વિરોધ પક્ષો સાથે ગયા તો એ પક્ષ વિરોધી કાર્યવાહી સાબિત થઈ શકે છે. શરદ પવાર જૂથ કોંગ્રેસ તેમજ ઉદ્ધવ ઠાકરે જૂથની સાથે એટલે કે સત્તાધારીઓના વિરોધમાં એકત્ર હોવાથી લોકસભા ચૂંટણી ભેગા થઈ લડવાની ચર્ચા ચાલુ છે. શરદ પવારના જૂથના સભ્યોએ તેઓ એમની સાથે જ છે એવું સોગંદનામું ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યું છે.