North-Central Mumbaiમાં આ અભિનેત્રી કે અભિનેતાને મળશે ટિકિટ?
મુંબઈઃ ચૂંટણી પંચે લોકસભા (Loksabha) ની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. લગભગ 97 કરોડ મતદારોના મતદાનની તૈયારી ચૂંટણી પંચ કરી રહ્યું છે, પરંતુ રાજકીય પક્ષો 543 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં હજુ સમય લઈ રહ્યા છે. ભાજપ (BJP) અને કૉંગ્રેસ(Congress) આ બન્ને મુખ્ય પક્ષોએ પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કર્યા છે એટલે બેઠકોની વહેંચણી એક મોટો મુદ્દો બની ગઈ છે.
ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભાજપ અને કૉંગ્રેસ બન્ને સાથેના પક્ષો પણ મજબૂત છે આથી કોઈ બાંધછોડ કરવા તૈયાર ન હોઈ પક્ષ માટે આ કસરત અઘરી સાબિત થઈ રહી છે. મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-એનસીપી (Congress-NCP) વર્ષોથી સાથે લડતા આવે છે, પરંતુ આ વખતે ઉદ્ધવ ઠાકરે ની શિવસેના(Shivsena) સાથે તેમની અલાઈન્સ છે અને મુંબઈમાં શિવસેનાનું જોર વધારે છે આથી મુંબઈની બેઠકો પરની વહેંચણી વધારે મહત્વની બની રહે છે.
દક્ષિણ મુંબઈમાં તો શિવસેનાએ અરવિંદ સાવંત (Arwind Savant)નું નામ જાહેર કરી દીધું છે. આ સિવાય ઉત્તર પૂર્વમાંથી પણ શિવસેનાના ઉમેદવાર તરીકે સંજય દીના પાટીલ (Sanjay Dina Patil) લડશે તેવી ચર્ચા છે. ત્યારે ઉત્તર મધ્ય મુંબઈમાંથી બે સેલિબ્રિટીના નામ બહાર આવી રહ્યા છે. ઉત્તર મધ્ય મુંબઈ બેઠક આજ સવારથી ચર્ચામાં છે કારણ કે અહીંની ભૂતપૂર્વ સાંસદ કૉંગ્રેસના દિગ્ગજ નેતા સુનીલ દત્તની દીકરી પ્રિયા દત્ત(Priya Dutt) પક્ષ છોડશે, તેવી અટકળોએ જોર પકડ્યું છે. આ વચ્ચે એવી વાત પણ બહાર આવી છે કે પ્રિયા દત્તને આ વખતે અહીંથી ટિકિટ ન મળતા આ બેઠક પર કૉંગ્રેસ વિતેલા જમાનાના અભિનેતા અને કૉંગ્રેસના સક્રિય નેતા રાજ બબ્બર (Raj Babbar) ને ઉમેદવારી આપશે.
ત્યારે બીજી બાજુ આ બેઠક પરથી અન્ય એક ફિલ્મી હસ્તીનું નામ બોલાઈ રહ્યું છે જે શિવસેના સાથે જોડાયેલી છે. આ બેઠક જો શિવસેનાના પક્ષમાં આવે તો અભિનેત્રી ઉર્મિલા મતોંડકર (Urmila Matondkar) અહીથી ચૂંટણી લડે તેવી સંભાવના પણ નજીકના સૂત્રોએ વ્યક્ત કરી છે.
આ બેઠક પર વર્ષોથી કૉંગ્રેસ લડતી આવી છે અને પહેલા સુનીલ દત્ત ને ત્યારબાદ પ્રિયા દત્ત એમ 2009 સુધી અહીં કૉંગ્રેસની સત્તા હતી. જોકે સત્તાવાર રીતે પ્રિયા દત્તે આ બેઠક પર ચૂંટણી લડવાની ના પાડી નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો તેમનું સક્રિય રાજકારણમાં ખાસ કોઈ યોગદાન રહ્યું નથી. બીજી બાજુ ઉર્મિલા મતોંડકર કૉંગ્રેસ છોડીને શિવસેનામાં આવી છે. 2019માં તે ઉત્તર મુંબઈથી ગોપાલ શેટ્ટી સામે લડી હતી અને હારી ગઈ હતી, પરંતુ તેમે એક લાખ ઉપર મત મેળવ્યા હતા. સેલિબ્રિટી છે અને આ વિસ્તારના મરાઠી મતો મેળવી શકે તેમ છે.
કૉંગ્રેસ રાજ બબ્બર પર દાવ રમે તેવી શક્યતા છે. અહીંથી બાબા સિદ્દીકીએ પણ પક્ષ છોડ્યો હોવાથી કૉંગ્રેસ પાસે અહીંના હિન્દી ભાષી અને મુસ્લિમ મતદારોને આકર્ષી શકે તેવો ચહેરો હાલમાં ન હોવાનું પક્ષને લાગે છે. અહીં ભાજપના કદાવર નેતા પ્રમોદ મહાજનની દીકરી પૂનમ મહાજન બે ટર્મથી સાંસદ છે. જોકે આ ટર્મમાં તેને ટિકિટ મળશે કે નહીં તે મામલે અસંમજસ છે. પક્ષે બે વર્તમાન સાંસદ મનોજ કોટક અને ગોપાલ શેટ્ટીની ટિકિટ કાપી છે. આ સાથે તેમણે શિવસેના (શિંદે)ને પણ બેઠક આપવાની છે. આ બધા સમીકરણો વચ્ચે રોજ નવા નમોની ચર્ચા ચાલ્યા કરે છે, પરંતુ ખરું ચિત્ર તો દરેક પત્ર પોતાના ઉમેદવારો જાહેર કરશે ત્યારે જ સ્પષ્ટ થશે.