પ્રેમી સાથે મળી પત્નીએ પતિનો કાંટો કાઢ્યો: બૅગમાં ભરી મૃતદેહ ખાડીમાં ફેંક્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રેમ પ્રકરણમાં વિઘ્ન બની રહેલા પતિનો પત્નીએ પ્રેમીની મદદથી કાંટો કાઢ્યો હોવાની ઘટના ભિવંડીમાં બની હતી. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પતિની હત્યા કર્યા પછી તેના મૃતદેહને બૅગમાં ભરી પુલ પરથી ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
નારપોલી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અનુભવ રામપ્રકાશ પાંડે (23) તરીકે થઈ હતી. પાંડે મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરનો વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ કાલ્હેરના રેતીબંદર રોડ ખાતે રહેતો બલરામ ઉર્ફે શેખર લક્ષ્મણ મિશ્રા (27) 7 ઑગસ્ટથી ગુમ હતો. આ પ્રકરણે તેની 25 વર્ષની પત્નીએ પોલીસમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. ગુમ મિશ્રાની શોધ દરમિયાન હત્યાનો ખુલાસો થયો હતો.
મૃતકની પત્ની અને આરોપી પાંડે વચ્ચે પ્રેમ પ્રકરણ હતું, જેની જાણ મૃતકને થઈ હતી. પ્રેમમાં આડખીલી બની રહેલા પતિનો કાંટો કાઢવાનું પત્નીએ નક્કી કર્યું હતું. 7 ઑગસ્ટની મધરાતે તીક્ષ્ણ હથિયારથી મિશ્રાની હત્યા કરવામાં આવી હતી. પછી તેના મૃતદેહને એક બૅગમાં ભરવામાં આવ્યો હતો. મૃતદેહ ભરેલી બૅગ બ્રિજ પરથી કશેળી ખાડીમાં ફેંકવામાં આવ્યો હતો.
મિશ્રાની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં સ્પષ્ટ થતાં પોલીસે શુક્રવારે પાંડેને પકડી પાડ્યો હતો. જોકે મૃતકની પત્ની ફરાર હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે. પોલીસે ખાડીમાંથી મિશ્રાનો મૃતદેહ શોધી કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી.