પાણીકાપની લટકતી તલવારઃ BMC રોજના 15 લાખ લીટર પાણીનો શાના માટે કરે છે ઉપયોગ?
મુંબઈ: એકબાજુ મુંબઈના અનેક પરાઓમાં છાશવારે પાણીના ધાંધિયા થતા હોય છે તો બીજી બાજુ મુંબઈ મહાનગરપાલિકા(BMC) હાલના તબક્કે રોજના પંદર લાખ લીટર પાણીથી ૬૧૭ કિલોમીટરના રસ્તા ધોઈ રહી છે.
પાણીની વધતી જતી માંગ અને મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં ઓછા પાણીના સંગ્રહને જોતાં મુંબઈગરાના માથે છ ટકા પાણીકાપની લટકતી તલવાર છે. એક તરફ આ અંગેનું આયોજન નિષ્ફળ ગયું છે ત્યારે રસ્તા ધોવાનું આયોજન કરીને લાખો લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુંબઈમાં વધતા પ્રદૂષણ અને રસ્તાઓ પરની સાફસફાઈ માટે મુંબઈ મહાનગર પાલિકાએ લાખો લિટર પાણીનો વપરાશ કરવાની મજબૂરી હોય એમ લાગી રહ્યું છે.
મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને ઑક્ટોબર ૨૦૨૩માં એક પરિપત્ર બહાર પાડીને બાંધકામના સ્થળો પર પ્રદૂષણ નિયંત્રણના પગલાં લાગુ કરવાનો આદેશ આપ્યો હતો અને રસ્તાઓ ધોવાનું નક્કી કર્યું હતું. મુંબઈમાં કુલ ૨,૦૫૦ કિ.મી.ના મુખ્ય રસ્તાઓ છે. પાલિકાએ તમામ ૨૪ વોર્ડમાં ૬૦ ફૂટથી વધુ પહોળા રસ્તા અને ફૂટપાથની સફાઈ કરવાનું શરૂ કર્યું હતું, તેમાં કુલ ૩૫૭ રસ્તાઓનો સમાવેશ થાય છે.
રસ્તાની ધૂળને સાફ કરવા માટે રિસાઈકલ કરેલ પાણી તેમજ સ્થાનિક જળ સ્ત્રોતો જેવા કે તળાવ, કૂવા, બોરવેલમાંથી ઉપલબ્ધ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં ૪૦૦ થી ૪૫૦ કિમીના રસ્તાઓ ધોવાથી લઈને હવે દરરોજ ૬૭૧ કિલોમીટરના રસ્તા પાણીથી ધોવાઈ રહ્યા છે. આ માટે ૨૧૭ પાણીના ટેન્કર અને ૧૫,૨૯, ૫૮૩ લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૧૭ મિસ્ટિંગ મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોએ માહિતી આપી હતી કે પાલિકાના ઘાટકોપર, કોલાબા, મલાડ ખાતે પ્રોજેક્ટમાં વેસ્ટ વોટર રિસાયકલ પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.