આમચી મુંબઈ

પાલિકાને પ્રશ્ન: દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાનો નિકાલ કેમ કરવો?

જોકે નિકાલ કરવાનું નક્કી કરાય તો એક દશકાથી વધુ સમય લાગે એમ છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના સૌથી જૂના દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં દાયકાઓથી ઠાલવવામાં આવી રહેલા કચરાને કારણે હાલના તબક્કે અહીં બે કરોડ મેટ્રિક ટન કચરો એકઠો થયો છે, જે ૧૨ માળની ઈમારત જેટલી ઊંચાઈએ પહોંચી ગયો છે. મહત્ત્વાકાંક્ષી ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે ડમ્પિંગ ગ્રાઉન્ડની વિશાળ ૧૨૪ એકર પર રહેલા ઘનકચરાને સાફ કરવા માટે રાજ્ય સરકારે મુંબઈ મહાનગરપાલિકાને નિર્દેશ આપ્યો છે. પરંતુ આ પ્રક્રિયા અત્યંત લાંબી અને પાલિકા માટે પડકારજનક છે.
મુંબઈમાં દરરોજ લગભગ ૬,૩૦૦ મેટ્રિક ટન કચરો નીકળે છે, જેમાંથી લગભગ ૫,૫૦૦ પ્રતિદિન બાયો-રિએક્ટર ટેક્નોલોજી અને વિન્ડ્રો કમ્પોસ્ટિંગનો ઉપયોગ કરીને પ્રક્રિયા કરવા માટે કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં મોકલવામાં આવે છે. દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં શહેરનો લગભગ ૧૦થી ૧૨ ટકા કચરો ઠાલવવામાં આવે છે, જે લગભગ ૭૦૦ ટન પ્રતિ દિવસ છે, જેનો નિકાલ પરંપરાગત રીતે કરવામાં આવે છે.

પાલિકાના આંકડા મુજબ બાયો-માઈનિંગનો ઉપયોગ કરવા છતાં સુધરાઈ દ્વારા નીમવામાં આવેલા કૉન્ટ્રેક્ટરને હવે બંધ થઈ ગયેલા મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડમાંથી માત્ર ૬૦ ટકા કચરો સાફ કરવામાં સાત વર્ષ લાગ્યા છે, તેની પાછળ પાલિકા ૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. કૉન્ટ્રેક્ટની કલમ મુજબ મુુલુંડ લેન્ડફિલમાં આશરે સાત મિલ્યન ટન જેટલો કચરો હોવાનો અંદાજ છે, જેમાથી અત્યાર સુધીમાં ૩.૭૩ ટકા ટન જ સાફ કરવામાં આવ્યો છે.

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ તો બહુ જૂનું છે અને તેમાં ૨૦ મિલ્યન મેટ્રિક ટન કચરો છે, તેથી કચરાના ઢગલા વધુ છે તેથી અધિકારીઓનો એવો અંદાજ છે કે તેનો સંપૂર્ણ નિકાલ કરવામાં એક દાયકાથી વધુ સમય લાગી શકે છે. દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ ૧૯૨૭માં ચાલુ થયું હતું, દેશને સ્વતંત્રતા મળવાના બે દાયકા પહેલા જયારે મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ ૧૯૬૭થી ચાલુ થયું છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ દેવનાર ખાતે કચરાનું વૈજ્ઞાનિક પદ્ધતિએ પ્રક્રિયા કરવા પર પાલિકાને ધ્યાન આપવું પડશે જે એક લાંબી પ્રક્રિયા છે. મુલુંડ લેન્ડફિલના કિસ્સામાં કોવિડને કારણે વૈજ્ઞાનિક રીતે બંધ કરવાના કામ પર અસર પડી હતી ત્યારે મેનપાવર અને મશીનરી ઉપલબ્ધ નહોતી. તેથી છ વર્ષમાં ડમ્પિંગ ગ્રાઉન્ડને સાફ કરવાની સમયમર્યાદા પૂરી થઈ શકી નહોતી.

પાલિકાએ જૂન, ૨૦૧૮માં મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરી હતી. મુંબઈના પૂર્વીય ઉપનગરમાં ૨૪ હેેકટરમાં ફેલાયેલું મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ ૧૯૬૮થી કાર્યરત છે.

આ દરમિયાન ઍક્ટિવિસ્ટોએ રાજ્ય સરકારે પાલિકાના આપેલા નિર્દેશ સામે વિરોધ દર્શાવ્યો છે. સોશિયલ એક્ટિવિસ્ટ અને એડવોકેટ ગોડફ્રે પિમેન્ટાએ આરોપ લગાવ્યો હતો કે દેવનાર ડમ્પિંગને વૈજ્ઞાનિક પદ્ધતિએ બંધ કરવા કરતા ખાનગી ડેવલપરના હિતને પ્રાધાન્ય આપી રહી છે, જે તે વર્ષોથી ફરજિયાત કરવામાં નિષ્ફળ રહ્યું છે.

ગયા અઠવાડિયે રાજ્ય સરકારે દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કચરો સાફ કરવાની જવાબદારી લેવા માટે પાલિકાને નિર્દેશ આપ્યો હતો, અહીં ત્રણ મહિના પહેલા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવવાનું છે.

ગયા અઠવાડિયે ૨૪ જાન્યુઆરીએ પાલિકા કમિશનરને મોકલવામાં આવેલા પત્રમાં રાજ્યએ સ્વચ્છ ભારત મિશન નિયમ ૨૦૧૬નો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આ ગાઈડલાઈન હેઠળ સ્થળ પર કચરાને વૈજ્ઞાનિક રીતે જમીન સાફ કરવાની પાલિકાની જવાબદારી છે.

આ પણ વાંચો…સિદ્ધિ વિનાયક મંદિરમાં ડ્રેસ કોડ અંગે મહિલા આયોગમાં ફરિયાદ

મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ ખાતે બાયોમાઈનિંગ ચાલી રહ્યું છે, તેની પાછળ ૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે અને સાત મિલ્યન ટન કચરો સાફ કરવામાં આવવાનો છે, જે ૧૯૬૮થી ૨૦૧૮ની સાલ સુધી કાર્યરત હતું. જયારે દેવનારમાં ૨૦ મિલ્યન મેટ્રિક ટન કચરો જમા છે અને બાયો માઈનિંગ માટે અંદાજિત ખર્ચ ૨,૫૦૦ કરોડ રૂપિયા થવાનો છે. આ ડમ્પિંગ ગ્રાઉન્ડ ૧૯૨૭ની સાલથી ચાલુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button