પુણે લોકસભા સીટ પર તાત્કાલિક પેટાચૂંટણી યોજવાના બોમ્બે હાઈ કોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે કેમ આપ્યો સ્ટે….

પુણે: પુણેમાં છેલ્લા ઘણા સમયથી લોકસભાની સીટ ખાલી છે ત્યારે પુણે લોકસભા સીટ માટે તાત્કાલિક પેટાચૂંટણી યોજવાના બોમ્બે હાઈ કોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. આ પ્રતિબંધ ચૂંટણી પંચની અરજી પર લગાવવામાં આવ્યો છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણી માટે માત્ર થોડો જ સમય બાકી છે, તેથી હવે પેટાચૂંટણી કરાવવાનો કોઈ ફાયદો નથી. જ્યારે 14મી ડિસેમ્બરે બોમ્બે હાઈ કોર્ટે કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI)ને પુણે લોકસભા સીટ માટે તરત જ પેટાચૂંટણી યોજવાનો નિર્દેશ આપ્યો હતો.
2019માં અહીંથી જીતેલા ભાજપના નેતા ગિરીશ બાપટના નિધન બાદ માર્ચ 2023થી આ સીટ ખાલી પડી છે. હાઈ કોર્ટે ચૂંટણી ન યોજવા માટે પંચ દ્વારા આપવામાં આવેલી દલીલો પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે કોઈપણ વિસ્તારના લોકોને લાંબા સમય સુધી પ્રતિનિધિત્વ વગર રાખી શકાય નહીં, આવી સ્થિતિમાં ચૂંટણી પંચે વહેલી તકે ચૂંટણી કરાવવાની દિશામાં પગલાં ભરવા જોઈએ. સુનાવણી દરમિયાન બોમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ કમલ ખાટા અને જસ્ટિસ ગૌતમ પટેલે જણાવ્યું હતું કે પંચ દ્વારા આપવામાં આવેલી દલીલો અયોગ્ય અને વિચિત્ર છે.
તેમજ પુણે લોકસભા બેઠક પર ચૂંટણી ન યોજવી એ બંધારણીય જવાબદારીઓથી મોં ફેરવવા જેવું છે. હવે હાઈ કોર્ટના આદેશ સામે ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું હતું જેમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હવે જ્યારે 2024માં ચૂંટણી થવા વિશે ચૂંચણી પંચ જણાવી રહ્યું છે તો હાલમાં ચૂંટણી ના યોજવી જોઈએ પરંતુ બોમ્બે બાઈ કોર્ટે ચૂંટણી યોજવા વિશે જણાવ્યું હોવાથી હજુ આ કેસ પર આગામી સુનાવણી જાન્યુઆરી 2024ના છેલ્લા અઠવાડિયા સુધીમાં કરવામાં આવે તેવી શક્યતા છે.