કેમ ખોટા પડ્યા શરદ પવારના પાસાં?: આવી કારમી હાર બાદ પક્ષનું ભવિષ્ય ડામાડોળ

મુંબઈઃ મહારાષ્ટ્રની જનતાએ ચાર જ મહિના પહેલા લોકસભામાં શરદ પવાર અને કૉંગ્રેસ તેમ જ ઉદ્ધવ ઠાકરેને ભરી ભરીને મત આપ્યા અને મહાવિકાસ આઘાડીને સમર્થન હોવાનો ઈશારો કર્યો. આ ઈશારો ભાજપ માટે આંખો ઉઘાડનારો હતો. ભાજપે આંખો ઉઘાડી અને રણનીતિ ઘડી, પરંતુ શરદ પવાર અને કૉંગ્રેસ તેમ જ ઉદ્ધવ સેના જનતાના કૉલને જાળવી રાખવામાં સાવ જ નિષ્ફળ સાબિત થયા અને કૉંગ્રેસ-ઉદ્ધવસેના અને એનસીપી માટે અત્યંત નિરાશાજનક પરિણામો આવ્યા છે. ચાર જ મહિનામાં ત્રણેય પક્ષનો આ રીતે સફાયો થશે તે હજુ તેમને ગળે ઉતરે તેવી વાત નથી.
2019માં આ રીતે કર્યો હતો પ્રચાર
મહાવિકાસ આઘાડીના આર્કિટેક્ટ શરદ પવાર છે અને તેમને ખૂબ જ પારંગત રાજકારણી, મુત્સદી અને રણનીતિકાર માનવામાં આવે છે અને પવારે આ સાબિત પણ કર્યુ છે. 2014માં મોદીની લહેરની અસરથી મહારાષ્ટ્રમાંથી સત્તા ગઈ પછી 2019માં એનસીપી અને કૉંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ હતી. તે સમયે શરદ પવારે પ્રચારની ધૂરા સંભાળી અને 78 વર્ષની ઉંમરે વરસતા વરસાદમાં સાતારામાં પ્રચાર કરતો વીડિયો વાયરલ થયો. તે સમયે એનસીપી એક હતી અને તેમણે 54 બેઠક પર અનપેક્ષિત વિજય મેળવ્યો હતો ત્યારે આ ચૂંટણીમાં શરદ પવાર માત્ર 12 જ બેઠક પર વિજય મેળવી શક્યા છે, તેમ હાલનો ટ્રેન્ડ જણાવે છે.

ક્યાં કાચૂ કપાઈ ગયું?
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીના રકાસ પાછળ ઘણા કારણો જવાબદાર છે. લોકસબાની ચૂંટણી બાદ બેઠકો કરી, પરંતુ છેલ્લે સુધી સિટ શેરિંગમાં ફસાયેલા રહ્યા. કૉંગ્રેસ અને શિવસેનાની જીદને લીધે ઉમેદવારોને પ્રચારનો સમય ન મળ્યો.
બીજી બાજુ ભાજપે જે મતોનું ધ્રુવીકરણ કર્યુ તેને પછાડવામાં પવાર નિષ્ફળ રહ્યા. પવાર સર્વસમાવિષ્ટ ચહેરા તરીકે ઊભરી આવે છે, પરંતુ આ ચૂંટણીમાં તેઓ જ્ઞાતિ અને ધર્મનું રાજકારણ ખાળી શક્યા નહીં. આદિત્યનાથ યોગી અને વડા પ્રધાન મોદીના હિન્દુત્વ તરફના નારાનો જવાબ મહાવિકાસ આઘાડી આપી શકી નહીં.
ખેડૂતો-બેરોજગારોને રીઝવી ન શક્યા
કેન્દ્રીય કૃષિ પ્રધાન રહી ચૂકેલા શરદ પવાર ખેડૂતોના વિષયોને હંમેશાં વાચા આપે છે. લોકસભામાં કાંદાના ખેડૂતોની નારાજગીનો પૂરો લાભ તેમણે લીધો ત્યારે આ ચૂંટણીમાં સોયાબિનના નારાજ ખેડૂતોની સમસ્યા સહિતના મુદ્દાઓ જોઈએ તેટલા ગરમાયા નહીં. આ સાથે ગુજરાતમાં બધા ઉદ્યોગો જાય છે, બેરોજગારીની સમસ્યા વગેરે મુદ્દા પણ ગાજ્યા નહીં.
હવે શું નિવૃત્તિ લેશે પવાર?
ચૂંટણીના પ્રચાર સમયે જ પવારે રાજકીય જીવનમાંથી નિવૃત્તિનો ઈશારો કર્યો હતો. 84 વર્ષની ઉંમર અને 64 વર્ષની રાજકીય કારકિર્દીમાં ભારે ઉતારચઢાવ જોઈ ચૂકેલા પવાર નિવૃત્તિ લેશે કે કેમ તે સવાલ છે. જોકે તેમના પક્ષને આવી હાલતમાં નવો સૂકાની આપવો કે પછી પક્ષનું ફરી વિલિનીકરણ થશે કે પછી દીકરી સુપ્રિયાને પક્ષ સોંપશે કે આગળ પવાર શું કરશે, તે અંગે હાલમાં કંઈપણ કહેવું શક્ય નથી, પરંતુ પવારની રણનીતિકાર તરીકેની આ સૌથી મોટા નિષ્ફળતા હશે તે વાત નક્કી છે.