ચાલુ વિધાનસભાએ દિલ્હી અને હવે કેબિનેટમાં ગેરહાજરીઃ એકનાથ શિંદેના મનમાં ચાલે છે શું? | મુંબઈ સમાચાર

ચાલુ વિધાનસભાએ દિલ્હી અને હવે કેબિનેટમાં ગેરહાજરીઃ એકનાથ શિંદેના મનમાં ચાલે છે શું?

મુંબઈઃ મહારાષ્ટ્રની 2024ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ સતત નારાજ ચાલી રહેતા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું વર્તન અને વલણ ફરી ચર્ચામાં છે. ગયા અઠવાડિયે મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે એકનાથ શિંદે ચાલુ સત્રએ દિલ્હી ચાલ્યા ગયા હતા. ત્યાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. તેમની દિલ્હી મુલાકાત સમયે ઉદ્ધવ ઠાકરે પણ ત્યાં હોવાથી ઘણી અટકળો ચાલી રહી હતી. હવે ફરી આજે એકનાથ શિંદેએ રાજ્ય સરકારની કેબિનેટ મિટિંગમાં ગુટલી મારી છે. તેમની સાથે તેમના નારાજ પ્રધાન ભરત ગોગાવલે પણ કેબિનેટની બેઠકમાં આવ્યા ન હતા.(Maharashtra government in trouble again?)

રાયગઢ મામલે શિંદેજૂથમાં ભારે નારાજગી

ફરી મુખ્ય પ્રધાનપદ ન મળ્યું હોવાથી શિંદે પહેલેથી જ નારાજ હતા. ત્યારબાદ ખાતાની વહેંચણી મામલે તેમની નારાજગી બહાર આવી. ત્યારબાદ સતત તેઓ એક યા બીજી બાબતે નારાજ રહેતા હોવાના અહેવાલો આવતા રહે છે. ત્રણ પક્ષની યુતિમાં ભાજપ અને એનસીપી(અજિત પવાર) એકબીજાથી નજીક હોવાનો અને શિંદેના પ્રધાનોને અન્યાય થયો હોવાની ફરિયાદો તેઓ કરી રહ્યા છે. આ બધા વચ્ચે રાયગઢનો મામલો વારંવાર ગરમાયા કરે છે. રાયગઢમાં શિવસેનાના નેતા ભરત ગોગાવલેનો વર્ચસ્વ છે, પરંતુ અહીં એનસીપી નેતા સુનીલ તટકરેની દીકરી અદિતી તટકરે પણ અડ્ડો જમાવી બેઠી છે.

અદિતી પણ પ્રધાનપદે છે અને હવે તે રાયગઢની પ્રભારી પણ બનવા માગે છે. આ જ પદ પર અદિતીની નજર પણ છે. અદિતી સ્વતંત્રતા દિવસે અહીં ધ્વજવંદન પણ કરશે એટલે ભાજપનો ઝુકાવ તેનાં તરફ હોવાનું શિંદેજૂથને લાગે છે. આથી રાયગઢમાં ભારે નારાજગી છે.

શિંદે રવિવારે જમ્મુ-કાશ્મીર ગયા હોવાના અહેવાલો છે, પણ મંગળવારે કેબિનેટ મિટિંગમાં આવવું તેમની માટે શક્ય હતું, છતાં તેઓ હાજર રહ્યા નથી, આથી ફરી મહારષ્ટ્ર સરકારમાં કંઈક ઉથલપાથલ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

આ પણ વાંચો…રાહુલ ગાંધીના ‘મત ચોરી’ના આક્ષેપો: તમારી પાસે પુરાવા હોય તો કોર્ટ અથવા ચૂંટણી પંચમાં જાઓ: એકનાથ શિંદે…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button