લોકસભા સંગ્રામઃ 'બારામતી'ની બેઠકના કોણ બનશે 'બાદશાહ'?, શિંદે જૂથના નેતાનો નવો દાવો | મુંબઈ સમાચાર

લોકસભા સંગ્રામઃ ‘બારામતી’ની બેઠકના કોણ બનશે ‘બાદશાહ’?, શિંદે જૂથના નેતાનો નવો દાવો

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિમાં બેઠકોની ફાળવણી અંગે 80 ટકા મડાગાંઠો ઉકેલાઇ ગઇ હોવાનું મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડવીસે જણાવ્યું હતું. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ થયેલી બેઠકમાં મોટા ભાગના પ્રશ્ર્નો ઉકેલાઇ ગયા હોવાનું માનવામાં આવે છે. જોકે, હજી સુધી રત્નાગિરી-સિંધુદુર્ગ, રાયગઢ જેવી મહત્ત્વની બેઠકો મામલે ‘મહાયુતિ’ હજી પણ યોગ્ય નિર્ણય લઈ શકી નથી.

મહારાષ્ટ્રની સૌથી મહત્ત્વની બેઠક પૈકી ‘બારામતી’ની બેઠક ઉપર હવે કોણ લડશે તે મામલે ‘મહાયુતિ’માં મોટો પ્રશ્ર્ન ઊભો થયો છે, કારણ કે એકનાથ શિંદે જૂથના ભૂતપૂર્વ વિધાનસભ્ય વિજય શિવતારે બારામતીની બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલ મળ્યા છે.

બારામતી બેઠક એ શરદ પવાર જૂથનો ગઢ માનવામાં આવે છે. તેમાંય વળી હાલમાં સુપ્રિયા સુળે આ બેઠક ઉપરથી સાંસદ છે. જોકે, અજિત પવાર શરદ પવારથી છૂટા પડ્યા અને મહાયુતિમાં સામેલ થઇ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન બન્યા ત્યાર બાદ આ બેઠક ઉપરથી કોણ લડશે એ મામલે ખૂબ જ ચર્ચા ચાલી રહી છે.

એક બાજુ સુપ્રિયા સુળે આ બેઠક ઉપરથી જીતી આવે એ માટેના પ્રબળ દાવેદાર છે તો બીજી બાજુ અજિત પવાર પોતાના પત્ની સુનેત્રા પવારને આ બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે ઊભા કરે એવી શક્યતા છે.

જોકે, આ બધા વચ્ચે શિંદે જૂથના ભૂતપૂર્વ વિધાનસભ્ય વિજય શિવતારેએ અપક્ષ ઉમેદવાર તરીકે આ બેઠક ઉપરથી લડવાની તૈયારી કરી હોવાનું કહેવાઇ રહ્યું છે. એટલું જ નહીં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એકનાથ શિંદેના પોતાના આદર્શ માનનારા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પોતાના ગુરુ માનનારા શિવતારે હવે બળવો પોકારીને અપક્ષ ઉમેદવાર તરીકે બારામતીથી ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા હોવાનું જણાઇ રહ્યું છે.

Back to top button