મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગુજરાતની સફેદ ડુંગળીની એન્ટ્રી, જયરામ રમેશે ઉઠાવ્યો સવાલ

Maharashtra Elections 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર જામી રહ્યો છે. કોંગ્રેસે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો અને પૂછ્યું હતું કે મહારાષ્ટ્રમાં લાલ ડુંગળીના ખેડૂતો કરતાં ગુજરાતમાં સફેદ ડુંગળીના ખેડૂતોને શા માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ભાજપે મહારાષ્ટ્રમાં આદિવાસીઓના વન અધિકારોને કેમ નબળા પાડ્યા છે. ધુળે અને નાશિકમાં પીએમ મોદીની રેલીઓ પહેલા કૉંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે તેમને આ પ્રશ્નો પૂછ્યા હતા.
જયરામ રમેશે સવાલ ઉઠાવતાં કહ્યું, શા માટે ગુજરાતના સફેદ ડુંગળીના ખેડૂતોને મહારાષ્ટ્રના લાલ ડુંગળીના ખેડૂતો કરતાં વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે? કૉંગ્રેસના મહાસચિવે કહ્યું કે ડિસેમ્બર 2023થી મહારાષ્ટ્રમાં ડુંગળીના ખેડૂતો મોદી સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધોથી નારાજ છે. તેમણે કહ્યું કે ડુંગળીની ખેતીની મોસમ દરમિયાન રાજ્યના ખેડૂતોને અપૂરતા વરસાદ અને પાણીની કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. મોટાભાગના ખેડૂતો તેમના સામાન્ય પાકના માત્ર 50 ટકા જ ઉત્પાદન લઈ શક્યા હતા.
મહારાષ્ટ્રના ખેડૂતો મોટા પ્રમાણમાં કરે છે લાલ ડુંગળીની ખેતી
જયરામ રમેશે કહ્યું, જ્યારે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો ત્યારે ખેડૂતોને મનસ્વી રીતે નિકાસ પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે વેચાણ ભાવમાં ભારે ઘટાડો થતાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ પછી કેન્દ્ર સરકારે સફેદ ડુંગળીની નિકાસની મંજૂરી આપી. જે મુખ્યત્વે ગુજરાતમાં ઉગાડવામાં આવે છે. મહારાષ્ટ્રના ખેડૂતો મુખ્યત્વે લાલ ડુંગળીની ખેતી કરે છે, તેઓ મહિનાઓ સુધી નિકાસથી વંચિત રહ્યા હતા.
આ પણ વાંચો :Assembly Election: મહાવિકાસ આઘાડીની જાહેરખબરો સામે પોલીસમાં ફરિયાદ
પીએમ મોદીએ મહારાષ્ટ્રના ડુંગળીના ખેડૂતોની આટલી અવગણના કેમ કરી?
આ ઉપરાંત જયરામ રમેશે કહ્યું, ગુજરાતના ડુંગળીના ખેડૂતોની ચિંતાઓને પ્રાથમિકતા આપતા પીએમ મોદીએ મહારાષ્ટ્રના ડુંગળીના ખેડૂતોની આટલી અવગણના કેમ કરી? તેમણે એમ પણ પૂછ્યું કે ભાજપ મહારાષ્ટ્રમાં આદિવાસીઓના વન અધિકારોને કેમ નબળા પાડે છે. 2006માં કોંગ્રેસે ક્રાંતિકારી વન અધિકાર કાયદો પસાર કર્યો હતો, જેણે આદિવાસી અને વનવાસી સમુદાયોને તેમના દ્વારા એકત્રિત કરવામાં આવતી વન પેદાશોમાંથી આર્થિક લાભ મેળવવાનો કાનૂની અધિકાર આપ્યો હતો.
મહારાષ્ટ્રની તમામ 288 સીટો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. આ માટે 20મી નવેમ્બરે તમામ બેઠકો પર મતદાન થશે, જ્યારે 23મી નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.