ટ્રેકિંગ કરવા જતા યુવતી ૪૦૦ ફૂટની ઊંડી ખાઈમાં પડી, ચમત્કારી બચાવ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ટ્રેકિંગ કરવા જતા યુવતી ૪૦૦ ફૂટની ઊંડી ખાઈમાં પડી, ચમત્કારી બચાવ

મુંબઈ: મહારાષ્ટ્રના કર્જત નજીક આવેલા પેબ કિલ્લા પર ટ્રેકિંગ કરવા ગયેલી ૨૭ વર્ષની યુવતીનો પગ સરકી જતાં તે ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી જવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટના શનિવારે બપોરે બની હતી. આઇટી એન્જિનિયર યુવતી ખીણમાં પડી જતાં સાત કલાકના રેસક્યું ઓપરેશન ચલાવ્યા બાદ તેને સુરક્ષિત બચાવી લેવામાં આવી હતી.

શનિવારે પાંચ લોકોનું ગ્રુપ પેબ કિલ્લા પર ટ્રેકિંગ કરવા ગયું હતું, જેમાં અંધેરીની રહેવાસી એશ્ર્વર્યા ઘાલગડે પણ સામેલ હતી. ટ્રેકિંગ કરતી વખતે તેનો પગ લપસી જતાં તે ઊંડી ખીણમાં પડી હતી. એશ્ર્વર્યા ખીણમાં પડ્યા બાદ તે એક વૃક્ષ પર ફસાઈ ગઈ હતી જેને લીધે તેનો જીવ બચી ગયો હતો.

આ ઘટના બનતા એશ્ર્વર્યા સાથે આવેલા તેના એક મિત્રએ પોલીસે આ બાબતે જાણ કરી હતી. પોલીસ, એમ્બ્યુલન્સ અને બચાવકર્તા ટીમ ઘટનાસ્થળ સુધી પહોંચે ત્યાં સુધી એશ્ર્વર્યાના મિત્રોએ સ્થાનિક નાગરિકો સાથે મળીને તેને બચાવવાનો પ્રયાસ ફર્યો હતો પણ તેમને સફળતા મળી નહોતી.

ઊંડી ખીણમાં પડી જતાં એશ્ર્વર્યાને પગમાં ઇજા થઈ હતી. બચાવકર્તા ટીમ ઘટનાસ્થળે પહોંચ્યાની સાથે પેબ કિલ્લાના નજીક એક એમ્બ્યુલન્સને પણ તહેનાત કરવામાં આવી હતી. આ ખીણનો ભાગ ખૂબ જ ઊંડો અને ઢોળાવવાળો હોવાથી બચાવકર્તા ટીમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પણ બપોરે દોઢથી રાતે આઠ વાગ્યા સુધી ચાલેલા આ સાત કલાકના ઓપેરેશન બાદ યુવતીનો જીવ બચાવવામાં ટીમને સફળતા મળી હતી.

બચાવકર્તા ટીમ દોરડા અને સ્ટ્રેચર પણ પોતાની સાથે લઈ ગયા હતા. ટીમના જવાનો એશ્ર્વર્યા સુધી પહોંચ્યા બાદ પોલીસ, રેસક્યુ ટીમ અને સ્થાનિક આદિવાસીની મદદથી યુવતીને ચાર કલાક સુધી સ્ટ્રેચર પર લઈને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી. હાલમાં બદલાપુરની એક હૉસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે.

સંબંધિત લેખો

Back to top button