‘મુંબઈ સેન્ટ્રલ’નું નામ બદલી નાના શંકરશેઠ રાખવાનું મુહૂર્ત ક્યારે?
રેલવે પ્રશાસનની લીલી ઝંડી છતાં વિલંબ કેમ?
મુંબઈ: લોકલ રેલવે એ મુંબઈની લાઇફલાઇન મનાય છે અને મુંબઈગરાઓની આ જીવનરેખા તૈયાર કરવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને પાયારૂપ ભૂમિકા ભજવી નાના જગન્નાથ શંકરશેઠ. એટલે જ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ બદલાવીને નાના જગન્નાથ શંકરશેઠ રાખવામાં આવે એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ મહારાષ્ટ્રના પ્રધાન મંડળ દ્વારા મંજૂર કરવામાં આવ્યો અને રેલવે પ્રશાસને પણ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. છતાં મુંબઈ સેન્ટ્રલને નાના જગન્નાથ શંકરશેઠ નામ આપવામાં વિલંબ થઇ રહ્યો છે.
મુંબઈના વિકાસમાં સિંહફાળો આપનારા નાના જગન્નાથ શંકરશેઠને સન્માન આપી તેમના નામે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનું નામ રખાય તેની માટે કયા મૂહુર્તની રાહ જોવામાં આવી રહી છે એવો સવાલ થઇ રહ્યો છે. નાના જગન્નાથ શંકરશેઠને હજી કેટલો વખત ઉપેક્ષા સહન કરવી પડશે, એવો સવાલ નામદાર જગન્નાથ (નાના) શંકરશેઠ પ્રતિષ્ઠાન દ્વારા કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે જગન્નાથ શંકરશેઠની 221મી જન્મજયંતી હતી. એ નિમિત્તે દાદરના ટી.ટી.ના નાના શંકરશેઠ ફ્લાયઓવર ખાતે તેમની પ્રતિમાને ફૂલમાળા પહેરાવી તેમને શ્રદ્ધા-સુમન અર્પણ કરાયાં હતાં.
નાના શંકરશેઠનું અભિવાદન કરાયું એ કાર્યક્રમમાં નામદાર જગન્નાથ (નાના) શંકરશેઠ પ્રતિષ્ઠાનના સલાહકાર પ્રકાશ ચીખલીકર, પાલિકાના એફ(ઉત્તર વૉર્ડ)ના આસિસ્ટન્ટ કમિશનર ચક્રપાણી અલ્લૈ, પ્રતિષ્ઠાનના અધ્યક્ષ સુરેન્દ્ર શંકરશેઠ, ડૉ. ગજાનન રત્નપારખી હાજર હતા.
પ્રકાશ ચીખલીકર અને સુરેન્દ્ર શંકરશેઠે મુંબઈ સેન્ટ્રલનું નામ નથી બદલાયું એ વિશે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ભારતીય રેલવેના મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસનું નામ બદલી તે નાના શંકરશેઠ મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ કરવા માટે રેલવે મંત્રાલયે લીલી ઝંડી આપી તેને ત્રણ વર્ષ થઇ ગયાં છે છતાં કેન્દ્રીય ગૃહ ખાતાની મંજૂરી માટે રાહ જોવાઇ રહી છે. જે નાના શંકરશેઠના કારણે મુંબઈને લોકલ રેલવે નામની લાઇફલાઇન મળી તેમના જ નામની ઉપેક્ષા મહારાષ્ટ્ર અને મુંબઈએ કેટલો સમય સહન કરવી પડશે.