યે રિશ્તા ક્યા કહેલાતા હૈ!

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ ગમે ત્યારે થઈ શકે એવું વાતાવરણ તૈયાર થયું છે ત્યારે એક તરફ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ મહાયુતિ સાથે મળીને લડશે એવી વાતો વારંવાર કરી રહેલા ભાજપના નેતાઓ અને અજિત પવારે પોતપોતાના ગઢમાં એકલા લડવાની તૈયારીઓ આદરી દીધી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. ભાજપ અને અજિત પવાર માટે પુણે અને પિંપરી-ચિંચવડ મનપા સહિત રાજ્યની કેટલીક મનપામાં ભારે સંઘર્ષ જોવા મળી શકે છે, કેમ કે પશ્ર્ચિમ મહારાષ્ટ્રની મોટા ભાગની મનપા અને જિલ્લા પરિષદોમાં અજિત પવારની શક્તિ મહાયુતિના અન્ય ભાગીદારો કરતાં ઘણી વધારે છે. બીજી તરફ છેલ્લા દસ વર્ષમાં ભાજપે પણ અહીં પગપેસારો કર્યો છે અને પુણે તેમ જ પિંપરી-ચિંચવડ મનપામાં પોતાના મેયર પણ બેસાડ્યા હતા, જે હજી સુધી મુંબઈ મનપામાં બેસાડવામાં તેમને સફળતા મળી નથી.
આ બધી બાબતોને ધ્યાનમાં રાખતાં બંને પક્ષો હવે અલગ અલગ કાર્યકર્તાઓના મેળાવડા કરી રહ્યા છે અને એકલે પંડે ચૂંટણી લડવા માટેની તૈયારીઓ કરતા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે એકનાથ શિંદે હજી સુધી મહાયુતિમાં જ લડવું કે અલગ લડવાની તૈયારી કરવી તે નક્કી ન કરી શક્યા હોવાથી ગુંચવાયેલા છે. તેમને અલગ લડવામાં શિવસેના-મનસે યુતિને કારણે નુકસાન થઈ શકે છે, બીજી તરફ મહાયુતિમાં લડવામાં બેઠકો ઓછી મળે એવી સંભાવના છે. બંનેમાં મેયરપદ ગુમાવવાની શક્યતા છે. હવે આગામી દિવસોમાં શું થાય છે તે જોવાનું રહેશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પુણેની મુલાકાત દરમિયાન ‘જન સંવાદ’ યાત્રા દ્વારા ખડકવાસલા વિધાનસભા ક્ષેત્રના નાગરિકોની સમસ્યાઓ જાણી હતી. તે સમયે, તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી અને વિવિધ મુદ્દાઓ પર ટિપ્પણી કરી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે મહાયુતિ અંગેનો નિર્ણય જિલ્લા સ્તરે લેવામાં આવશે. તેના વિશે બોલતા, અજિત પવારે કહ્યું હતું કે, ‘આ ચૂંટણીઓ સ્થાનિક મુદ્દાઓ પર લડવી જોઈએ. દરેક જિલ્લાની રાજકીય પરિસ્થિતિ અલગ છે. તે વિસ્તારના સ્થાનિક નેતાઓએ તે સ્થળની રાજકીય પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવો એમાં કોઈ વાંધો નથી.’
ભારતીય જનતા પાર્ટીના મેળાવડામાં પોતાના દમ પર ચૂંટણી લડવાની માગણી અંગે અજિત પવારે કહ્યું હતું કે, ‘ત્રણે પક્ષોના નેતાઓ આ સંદર્ભમાં સાથે મળીને નિર્ણય લેશે. દરેક પક્ષ વધુમાં વધુ બેઠકો જીતવા માગે છે. એટલા માટે પક્ષના નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ વિવિધ સ્થળોના પ્રવાસે જઈ રહ્યા છે. છેવટે, દરેકને પક્ષને વિકસાવવાનો પ્રયાસ કરવાની સ્વતંત્રતા છે.’
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં પુણેમાં મુખ્ય પ્રધાન ફડણવીસ અને પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણની હાજરીમાં પશ્ર્ચિમ મહારાષ્ટ્રના ભાજપના પદાધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. બાદમાં, મીડિયા સાથે વાતચીત કરતી વખતે, ફડણવીસે કહ્યું હતું કે, ‘સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં, રાજ્યના વિવિધ ભાગોમાંથી પાર્ટીના સાંસદો, વિધાનસભ્યો, પ્રમુખો અને અન્ય મુખ્ય પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠકો યોજાઈ રહી છે. ભાજપ માટે પરિસ્થિતિ સકારાત્મક છે. ચૂંટણી લડતી વખતે, શક્ય હોય ત્યાં મહાયુતિ દ્વારા ચૂંટણી લડવાના પ્રયાસો કરવામાં આવશે. જોકે, સ્થાનિક સ્તરના પદાધિકારીઓને મહાયુતિ અથવા પોતાના દમ પર ચૂંટણી લડવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેમાં કોઈ દખલ કરવામાં આવશે નહીં.’
‘ચૂંટણીઓની જાહેરાત થયા પછી ચિત્ર સ્પષ્ટ થશે’
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. ચૂંટણીઓ માટે મોરચાઓની રચના અને પક્ષ પ્રવેશ ચાલુ હોવા છતાં, હજુ સુધી કોઈપણ પક્ષ દ્વારા કોઈ સ્પષ્ટ વલણ લેવામાં આવ્યું નથી. ‘ચૂંટણીની તારીખો જાહેર થયા પછી, અરજીઓ પાછી ખેંચવાના દિવસે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે,’ એમ રાજકીય નિરીક્ષકોએ વર્તમાન સ્થિતિ બાબતે જણાવ્યું હતું.
આ પણ વાંચો : વિરારમાં યુવકની હત્યા પછી આત્મહત્યાનું જુઠ્ઠાણું ચલાવનારી મહિલા પાંચ વર્ષે પકડાઈ