ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાવાનું છે ત્યારે જ ગેસ સિલિન્ડર સસ્તા કરવાનું રાજકીય ગણિત શું?
વિરોધીઓએ શાસક પક્ષ પર ટીકાઓની ઝડી વરસાવી
મુંબઈ: લોકસભા ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોઇ પણ ઘડીએ ચૂંટણી જાહેર થઇ શકે એવી સ્થિતિ છે. એવામાં કેન્દ્ર સરકારે મહિલા દિને જ રાંધણ ગેસના ભાવમાં રૂ. 100નો ઘટાડો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ અંગે વિરોધ પક્ષોએ શાસક પક્ષ પર ટીકાની ઝડીઓ વરસાવી હતી.
આ નિર્ણય આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનો આરોપ વિરોધીઓએ કર્યો છે. આ બાબતે રાજકીય વર્તુળોમાં પણ વિવિધ ચર્ચાએ જોર પકડ્યું હોવાનું દેખાઈ રહ્યું છે.
સરકારના જણાવ્યા અનુસાર મોદી સરકારે આ નિર્ણયનો ફાયદો દેશનાં 33 કરોડ કુટુંબોને થવાનો હોવાની શક્યતા છે. આમાં વડા પ્રધાન ઉજ્જવલા યોજનાનો ફાયદો લેનારાં 10 કરોડ કુટુંબોનો પણ સમાવેશ થાય છે. આ કુટુંબોને પહેલાં જ પ્રતિ સિલિન્ડર પાછળ રૂ. 300નું અનુદાન આપવામાં આવ્યું હતું.
ખરેખર તો ચૂંટણી આવે એ પહેલાં રાંધણ ગેસના ભાવ ઓછા કરવાની પ્રથા દેશમાં ઘણાં વર્ષોથી ચાલતી આવી રહી છે. કેન્દ્રમાં ભાજપ સહિત અત્યાર સુધી સત્તા ભોગવી ચૂકેલા દરેક રાજકીય પક્ષ આવા પ્રકારનો નિર્ણય લેતા
હોય છે.
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં પણ આવા જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સિલિન્ડરના ભાવ રૂ. 200 ઓછા કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો હતો.
આ ઉપરાંત વડા પ્રધાન ઉજ્જવલા યોજનાનો વ્યાપ્ત વધારવા અંગે રાજ્યનાં 75 લાખ કુટુંબોને આ યોજના અંતર્ગત લાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર પછી ઓક્ટોબર મહિનામાં સરકારે ઉજ્જવલા યોજના અંતર્ગત આપવામાં આવતાં અનુદાનને પણ રૂ. 300 સુધી વધાર્યાં હતાં.
ભાજપનાં આંતરિક સૂત્રોએ આપેલી માહિતી અનુસાર પાંચ રાજ્યની ચૂંટણી પહેલાં પક્ષે કરેલા સર્વેક્ષણમાં મહિલાઓમાં સરકારની વિરુદ્ધ અસંતોષ હોવાનું જોવા મળ્યું હતું. આને કારણે પક્ષના સંગઠન સ્તરે પણ આના ઉપાય તરીકે સિલિન્ડરનો ભાવ ઓછો કરવાની માગણી થવા લાગી હતી. હવે જ્યારે લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ગમે તે સમયે વાગી શકે છે ત્યારે ફરી એક વાર રાંધણગેસના ભાવમાં રૂ. 100નો ઘટાડો કરવાનો નિર્ણય મોદી સરકારે લીધો છે ત્યારે આ ઘટાડો ચૂંટણીલક્ષી હોવાનું કહીને વિરોધ પક્ષોએ સરકાર પર ટીકાસ્ત્રો છોડ્યાં હતાં. ઉ