પવાર કુટુંબમાં આખરે શું ઘોળાઈ રહ્યું છે | મુંબઈ સમાચાર

પવાર કુટુંબમાં આખરે શું ઘોળાઈ રહ્યું છે

શરદ પવારે અજિત પવારના નિવાસસ્થાને હાજરી આપી

પુણે: એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવાર આખરે ભાઈબીજનો તહેવાર મનાવવા માટે ખેડૂતના ડેમમાંથી સીધા અજિત પવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા. શું શરદ પવાર ભાઈબીજ માટે અજિત પવારના કાટેવાડી ખાતે જશે, એવો સવાલ છેલ્લા ઘણા સમયથી ઊભો થયો હતો. એવામાં શરદ પવાર તેમના ઘરે પહોંચી જતાં રાજકીય વર્તુળોમાં ભવાં ઊંચા ચડી ગયાં હતાં.

એક બાજુ એનસીપી કોની એ બાબતે ચૂંટણી પંચ પાસે સંઘર્ષ ચાલી રહ્યો છે, જ્યારે બીજી બાજુ પવાર કુટુંબ એક થઇને દિવાળી ઊજવી રહ્યું હોવાનું જોવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૪મી નવેમ્બરે ગોવિંદ બાગમાં પડવા નિમિત્તે મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અજિત પવાર હાજરી આપશે કે કેમ, એવો પ્રશ્ર્ન ઊભો થયો હતો. અજિત પવારે જોકે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુપ્રિયા સુળેએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા ફોટામાં અજિત પવાર શરદ પવારની પાછળ ઊભા હોય એવું દેખાય છે. હવે શરદ પવાર ભાઈબીજના તહેવારની ઉજવણી કરવા માટે અજિત
પવારના નિવાસસ્થાને પહોંચી જતાં પ્રશ્ર્ન એવો ઊભો થયો છે કે પવાર કુટુંબમાં આખરે ચાલી શું રહ્યું છે. એનસીપીમાં ફાટફૂટ પડ્યા બાદ પવાર કુટુંબની આ પહેલી દિવાળી છે. આથી પવાર કુટુંબ દિવાળી કેવી રીતે ઊજવશે તેની તરફ તમામ રાજકીય ક્ષેત્રનું ધ્યાન હતું.

બુધવારે અજિત પવારના નિવાસસ્થાને ભાઈબીજનો તહેવાર ઊજવવામાં આવ્યો હતો. એવા સમયે આખું કુટુંબ હાજર હતું. અજિત પવાર, જય પવાર, સુપ્રિયા સુળે, પ્રતિભા પવાર, શર્મિલા પવાર, શ્રીનિવાસ પવાર, અજિત પવારની બંને બહેનો, રણજિત પવાર, જયંત પવાર આવ્યાં હતાં. એવામાં શરદ પવારની હાજરી મહત્ત્વની ગણાતી હતી અને રાજકીય વર્તુળોમાં તમામ નજર શરદ પવારની હાજરી પર હતી. શરદ પવારની રાહ જોવાતી હતી અને અચાનક જ શરદ પવાર હાજર થયા હતા. શરદ પવારની સાથે એ સમયે ભૂતપૂર્વ પ્રધાન રાજેશ ટોપે પણ હાજર રહ્યા હતા.

સંબંધિત લેખો

Back to top button