આજે ચુકાદો એકનાથ શિંદે અપાત્ર થાય તો શું? અજિત પવાર મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની મહાયુતી સરકાર માટે અત્યંત મહત્ત્વનો ચુકાદો બુધવારે આવવાનો છે તે પહેલાં રાજ્યમાં સંભવિત ચુકાદા અને તેના પરિણામો અંગે ચર્ચા થઈ રહી છે. અત્યારે સૌથી પહેલી શક્યતા એવી માનવામાં આવી રહી છે કે અજિત પવારને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે, પરંતુ અન્ય કેટલાક રાજકીય વિષ્લેશકોનું માનવું છે કે અજિત પવારને જવાબદારી સોંપવામાં આવશે નહીં.
બુધવારે રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર વિધાનસભ્યોની અપાત્રતા અંગેની પિટિશનનો ચુકાદો આપવાના છે ત્યારે રાજ્યની મહાયુતીની સરકાર સામે રહેલા પડકારો અંગે રાજકીય ચર્ચા થઈ રહી છે.
એકનાથ શિંદે અને ૧૬ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તો રાજ્યના આગામી મુખ્ય પ્રધાન અંગે સૌથી પહેલી પસંદગી દેવેન્દ્ર ફડણવીસ બનશે એવો દાવો કેટલાક નિષ્ણાતો કરી રહ્યા છે, જ્યારે બીજા કેટલાક તેનું ખંડન કરતાં એમ કહી રહ્યા છે કે જો મુખ્ય પ્રધાન તરીકેની રેસમાં દેવેન્દ્ર ફડણવીસ હોત તો એકનાથ શિંદેને સ્થાને તેમને જ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હોત. મોવડીમંડળ પોતે જ આવી સંયુક્ત સરકારના મુખ્ય પ્રધાન તરીકે ફડણવીસને બેસાડવા માગતા નથી તેથી તેઓ મુખ્ય પ્રધાન બની શકશે નહીં.
મુખ્ય પ્રધાન તરીકેની બીજી પસંદગી અજિત પવાર બની શકે છે. અત્યાર સુધી બધા એમ જ માની રહ્યા છે કે એકનાથ શિંદેના જૂથ સામેની અપાત્રતાની પિટિશનની સુનાવણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સરકારની સ્થિરતા માટે એનસીપીમાં ભંગાણ પડાવવામાં આવ્યું હતું અને તે દૃષ્ટિએ શિંદેના વિકલ્પ તરીકે અજત પવારને જોવામાં આવતા હતા. આ ગણતરી જોવામાં આવે તો આગામી મુખ્ય પ્રધાનપદની પહેલી પસંદગી અજિત પવાર બની શકે છે. જોકે અન્ય કેટલાક રાજકીય નિષ્ણાતો આ બાબત સાથે સહમત નથી. છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે અજિત પવાર સતત એવું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ ભાજપની લાઈન પર ચાલતા નથી. નાગપુરમાં હેગડેવાર સ્મૃતિસ્થળ પર ન જવાનો નિર્ણય હોય કે પછી મુસ્લિમ આરક્ષણની માગણી હોય. મરાઠા કાર્યકર્તાઓને મળવા માટે પણ અજિત પવાર ગયા નહોતા, જ્યારે કે તેઓ ખુદ મરાઠા સમાજના જ છે. આમ તેઓ અનેક વખત સરકારથી વિમુખ હોવાનું દર્શાવતા હોય છે. આવી સ્થિતિમાં અજિત પવારને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એવી શક્યતા જ નથી.
આવી સ્થિતિમાં રાજ્યના મુખ્ય પ્રધાનના પદે કોણ આવશે એવી અટકળો થઈ રહી છે.
નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કરેલા નિવેદનને ધ્યાનમાં લેવામાં આવે અને ગિરીશ મહાજને સોમવારે જળગાંવમાં કરેલા નિવેદન પર ધ્યાન અપાય તો મુખ્ય પ્રધાન પદે એકનાથ શિંદે ચાલુ રહેશે. જો શિંદેને વિધાનસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવશે તો તેઓ વિધાન પરિષદના સભ્ય તરીકે મુખ્ય પ્રધાન બની શકે છે. કેમ કે ગેરલાયક ઠર્યા બાદ તેઓ છ વર્ષ સુધી વિધાનસભાની ચૂંટણી લડી શકશે નહીં. આથી આ જ રસ્તો અપનાવીને તેમને જાળવી રાખવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે.
શિંદે સાથેની બેઠક: નાર્વેકરનો ખુલાસો
મુંબઈ: વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે રવિવારે મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે મિટિંગ થઈ હતી. ૧૦ જાન્યુઆરીએ ૧૬ વિધાનસભ્યોના અપાત્રતા પ્રકરણમાં ચુકાદો આવવાનો છે. એ પાર્શ્ર્વભૂમિ પર આ મુલાકાતની વિરોધ પક્ષો દ્વારા ટીકા કરવામાં આવી છે. ઠાકરે જૂથ દ્વારા તો સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે. એટલે આ મુલાકાત શું કામ થઈ એ વિશે રાહુલ નાર્વેકરે માધ્યમો સાથેની વાતચીતમાં મંગળવારે આપી હતી. રાહુલ નાર્વેકરે જણાવ્યું કે ‘સ્પીકર કયા કારણસર મળી શકે અને એના શું શું કારણ હોઈ શકે એની જાણકારી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને હોવી જોઈએ. તેમ છતાં જો તેઓ આવા આરોપ મુકતા હોય તો એની પાછળનો હેતુ શું હોઈ શકે એ સ્પષ્ટ થાય છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભા અધ્યક્ષ અપાત્રતા અરજીનો ચુકાદો આપી રહ્યા હોય ત્યારે અન્ય કામ નહીં કરવા એવો કોઈ આદેશ નથી. વિધાનસભા અધ્યક્ષના નાતે અન્ય સરકારી કામ પણ કરવાના હોય. એમાં મુખ્ય પ્રધાનનો સહયોગ જરૂરી હોય છે. વિધાન સભ્ય તરીકે મારા મતદારસંઘની સમસ્યાઓનો ઉકેલ લાવવાની મારી ફરજ છે. રાજ્ય સાથે સંબંધ ધરાવતા અન્ય પ્રશ્ર્નો સંદર્ભે રાજ્યની કાર્યકારી સમિતિની મુખ્ય વ્યક્તિનો સંપર્ક કરી સમસ્યાનો ઉકેલ લાવવો મને જરૂરી લાગે તો એ માટે મારે કોઈની પણ પરવાનગી લેવાની જરૂર નથી.