પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, આવતીકાલે રહેશે વિશેષ નાઈટ બ્લોક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ અને મરીન લાઈન્સ સ્ટેશનની વચ્ચે વાનખેડે ફૂટઓવર બ્રિજ (એફઓબી) ઉત્તર દિશામાં મુખ્ય ગર્ડર લોન્ચ કરવાને કારણે વિશેષ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે, પરિણામે નાઈટમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને હાલાકી પડી શકે છે. આવતીકાલે રાતના 1.15 વાગ્યાથી વહેલી સવારના ત્રણ કલાકના મેજર બ્લોક રહેશે, તેનાથી સબર્બનની લોકલ ટ્રેનસેવા પર અસર પડશે. આવતીકાલની રાતની 8.50 વાગ્યાની બોરીવલી અને ચર્ચગેટની લોકલ ટ્રેન રદ્દ રહેશે, જ્યારે રવિવારે વહેલી સવારના ચર્ચગેટથી 4.38 વાગ્યાની લોકલ ટ્રેન રદ્દ રહેશે.
આ ઉપરાંત, મુંબઈ સેન્ટ્રલ અને ચર્ચગેટ વચ્ચે પણ અમુક ટ્રેન આંશિક રદ્દ રહેશે. રાતના 12.10 વાગ્યાની બોરીવલી ચર્ચગેટ લોકલ મુંબઈ સેન્ટ્રલથી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે, જ્યારે વિરાર-ચર્ચગેટ લોકલ ટ્રેનને મુંબઈ સેન્ટ્રલમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. રાતના 12.30 વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ લોકલને મુંબઈ સેન્ટ્રલમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.
આ પણ વાંચો : હવે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને મળશે ‘આ’ સુવિધાનો લાભ, જાણી લેશો તો ફાયદામાં રહેશો
વહેલી સવારની ચર્ચગેટ-વિરાર લોકલ ટ્રેનને સવારના 4.15 વાગ્યાથી ચર્ચગેટથી પ્રસ્થાન કરવામાં આવશે, જે ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે રદ્દ રહેશે. રવિવારે સવારના ચર્ચગેટ-બોરીવલી 4.18 વાગ્યાની લોકલ ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે રદ્દ રહેશે. ઉપરાંત, વિરાર-ચર્ચગેટ લોકલ રાતના 11.30 વાગ્યાની વિરારથી ઉપડશે, જે વિરારથી ચર્ચગેટની લાસ્ટ લોકલ રહેશે, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.