
મુંબઇઃ મુંબઇગરાની લાઇફલાઇન ગણાતી રેલવે સેવામાં હાલમાં લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ રેલવે પર ખાર અને ગોરેગાંવ વચ્ચે 8.8 કિમીના છઠ્ઠા ટ્રેકને શરૂ કરવા માટે 27 ઓક્ટોબરથી મુખ્ય કનેક્ટિંગનું કામ શરૂ થઈ ગયું છે. આ કામગીરી 5 નવેમ્બર સુધી ચાલુ રહેશે. જેના કારણે રોજની સેંકડો ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકલ ટ્રેનો મોડી દોડી રહી છે અને પ્રવાસીઓ બેહાલ થઇ રહ્યા છે.
ટ્રેકના કામને કારણે ધડાધડ ટ્રેનો રદ કરવામાં આવે છે.સવારના સમયે તો લોકો જેમતેમ કરીને ઑફિસે પહોંચે છે, પણ સાંજના સમયે ઘરે પહોંચવા માટે ભારે સંઘર્ષ કરવો પડે છે. ટ્રેન મોડી ચાલી રહી હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેના કારણે રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભીડ જોવા મળી રહ્યો છે. તેમજ પશ્ચિમ રેલ્વેની લોકલમાં પણ ઘણી ભીડ જોવા મળે છે.
સવારના ઑફિસના સમયે પણ લોકોને દરેક સ્ટેશનથી ટ્રેનમાં ચઢવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેને કારણે લોકોમાં નારાજગી છે. લોકલ ટ્રેનોમાં ભારે ભીડ હોવાથી લોકો ચઢી શકતા નથી અને રેલવે સ્ટેશનો પર પારાવાર ગરદી જોવા મળી રહી છે. સ્ટેશન ઉપરાંત ફૂટઓવર બ્રિજ પણ ભીડથી પેક જોવા મળી રહ્યા છે. પ્લેટફોર્મ પર સેંકડો લોકો ટ્રેનની રાહ જોતા ઊભા હોય છે અને ટ્રેનો અડધો અડધો કલાક લેટ હોય છે.
બીજી તરફ કેટલાક રેલવે સ્ટેશનો પર અચાનક લોકલ ટ્રેનોના પ્લેટફોર્મ બદલવામાં આવતા હોવાથી પણ લોકોને પારાવાર હાલાકી થાય છે. સ્ટેશન પર મોડી જાહેરાત કરવામાં આવતી હોવાની પણ મુસાફરો ફરિયાદ કરી રહ્યા છે, એવામાં લોકોની ટ્રેન છૂટી જાય છે. હાલમાં ચર્ચગેટથી અંધેરી પહોંચવામાં દોઢ કલાક જેટલો સમય લાગી જાય છે. એવામાં વસઇ, વિરાર જતા મુસાફરોની તો જિંદગી જ ટ્રેનમાં નીકળી જાય એવું થઇ જાય છે. તેઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ટ્રેકનું કામ ચાલુ હોવાના કારણે આ અઠવાડિયું પશ્ચિમ રેલ્વેના મુસાફરો માટે ખરેખર કસોટીનું બની રહ્યું છે.