આમચી મુંબઈ

સયાજીનગરી એક્સપ્રેસને મળ્યું ‘સુરક્ષા કવચ’:, જાણો વિશેષતા?

મુંબઈઃ ભારતીય રેલવેની સુરક્ષા મુદ્દે નવો અધ્યાય ઉમેરાયો છે. પશ્ચિમ રેલવેના વિરાર-વડોદરા રૂટ પર 344 કિમીમાં ‘કવચ’ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા સિગ્નલ ભંગ, ઓવર-સ્પીડિંગ અને સામ-સામે અકસ્માતો અટકાવી શકાશે. સયાજીનગરી એક્સપ્રેસ આ સુવિધા મેળવનાર મુખ્ય ટ્રેન બની છે.

મુંબઈ ડિવિઝનમાં વિરાર-વડોદરા સેક્શનમાં પહેલી વાર કવચ સિસ્ટમ (ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ) એક્ટિવિટ કરવામાં આવ્યું છે, જે સુરક્ષા મુદ્દે મહત્ત્વની સિસ્ટમ છે.

પ્રસ્તાવિત પ્રોજેક્ટના ભાગરુપે વડોદરા-સુરત-વિરાર સેક્શનનું જાન્યુઆરી 2023માં કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આજે આશરે 344 કિમી લાંબા સેક્શનમાં કવચ સિસ્ટમ કાર્યરત (Commissioned) કરવામાં આવ્યું છે.

આપણ વાચો: ભારતીય રેલવેની ગૂમ થયેલી ટ્રેન 43 વર્ષ બાદ મળી, નાસાની એક ભૂલને કારણે…

પશ્ચિમ રેલવેએ અગાઉ ડિસેમ્બર 2025માં વડોદરા-અમદાવાદ સેક્શન પર કવચ સિસ્ટમ શરૂ કરી હતી અને આજની તારીખે, કુલ 435 રૂટ કિમી વિસ્તારમાં કવચ સિસ્ટમ કાર્યરત થઈ ગઈ છે.

પશ્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ભારતીય રેલવેની આ યોજનાને પશ્ચિમ રેલવેએ ઝડપથી કામગીરી કરી છે, જેમાં વિરાર-વડોદરા સેકશનમાં સૌથી પહેલી વાર કવચ સિસ્ટમનો અમલ થયો છે, જે અન્વયે આજે દાદર-ભુજ સયાજીનગરી એક્સપ્રેસ (ટ્રેન 20907માં કવચ સિસ્ટમ સજ્જ)ને દાદર સ્ટેશનથી રવાના કરવામાં આવી હતી.

કવચ સિસ્ટમ અત્યંત જટિલ અને ભારતીય ઉદ્યોગોના સક્રિય સહયોગથી ભારતીય રેલવે દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસિત કરવામાં આવી છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે વડોદરા-વિરાર સેક્શનના દરેક સ્ટેશન અને ઓટોમેટિક સિગ્નલિંગ સેક્શન માટે અલગ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

ટ્રેક પર 8,000થી વધુ સ્થળોએ RFID ટેગ્સનું પ્રોગ્રામિંગ અને ઇન્સ્ટોલેશન. સ્ટેશન અને એન્જિન (Loco) વચ્ચે નિરંતર રેડિયો સંપર્ક માટે 57 ટાવર અને સ્ટેશનો પર સાધનોની સ્થાપના તેમ જ સમગ્ર રૂટ પર ઓપ્ટિકલ ફાઈબર કેબલ (OFC) બિછાવવામાં આવ્યા હતા.

આપણ વાચો: ભારતીય રેલવેના આ જંક્શન પર ચારે બાજુથી આવે છે ટ્રેનો, છતાં નથી થતી ક્યારેય ટક્કર…

વર્તમાન સ્થિતિ અને ભવિષ્યનું આયોજન

કવચ સિસ્ટમ યુરોપિયન સિસ્ટમ (ETCS) કરતા ઘણી સસ્તી છે. હાલમાં, તે WAP-7 લોકોમોટિવ્સ પર કાર્યરત છે અને ટૂંક સમયમાં અન્ય એન્જિનમાં પણ તેને લાગુ કરવામાં આવશે. વડોદરા-નાગદા સેક્શનમાં પણ કામકાજ પૂરજોશમાં ચાલુ છે અને માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. અત્યાર સુધી પશ્ચિમ રેલવેના કુલ 364 એન્જિનમાં કવચ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવેના અન્ય અનેક સેક્શનમાં કુલ 2,667 કિમી (કુલ ખર્ચ ₹ 1,435 કરોડ)ના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વધુ 2,476 કિમી માટે મંજૂરી મેળવવાની દરખાસ્ત મુકવામાં આવી છે. પશ્ચિમ રેલવે તેના સમગ્ર બ્રોડગેજ (BG) રૂટ પર વહેલી તકે કવચ કામગીરી પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

કવચ (KAVACH) શું છે?

. કવચ એ ટ્રેન સુરક્ષા પ્રણાલી છે જે માનવીય ભૂલોના જોખમને ઘટાડવા માટે અને ટ્રેનના અકસ્માતો નિવારવામાં મદદ કરે છે.

. સિગ્નલ તોડવાની અટકાયત: માનવીય ભૂલને કારણે સિગ્નલ પસાર થઈ જવાની ઘટનાઓને અટકાવે છે.

. ઓવર-સ્પીડિંગ પર નિયંત્રણ: ટ્રેનની નિર્ધારિત ગતિ મર્યાદા જાળવી રાખે છે.

. અકસ્માત નિવારણ: સામ-સામે અને પાછળથી થતી ટ્રેન અથડામણોને અટકાવે છે.

. ઓટો વ્હિસલિંગ: લેવલ ક્રોસિંગ (LC) ગેટ પાસે આપમેળે હોર્ન વગાડવાની સુવિધા.

. કેબ સિગ્નલિંગ: ખરાબ હવામાન કે ધુમ્મસમાં પણ ડ્રાઈવરની કેબિનમાં જ સિગ્નલ દેખાય તેવી વ્યવસ્થા.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button