આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેમાંથી આવ્યા મોટા સમાચાર, આ લાઈનનો થયો શુભારંભ

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ખાર-ગોરેગાંવ વચ્ચેની આઠ કિલોમીટરના અંતરની છઠ્ઠી લાઈનનું ઈન્ફ્રાસ્ટ્રકચરનું કામકાજ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. નિર્ધારિત સમયગાળામાં બ્લોકની કામગીરી પૂરી કરવામાં આવ્યા પછી છઠ્ઠી લાઈનમાં ટ્રેન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં કલાકના 112 કિલોમીટરની સ્પીડથી ટ્રાયલ પણ સફળ રહ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આઠ કિલોમીટરના કોરિડોરનું નિર્માણ થવાથી નવી લાઈનની ક્ષમતામાં વધારો થયો છે, જેનાથી વધુ લોકલ ટ્રેનની સર્વિસ દોડાવી શકાશે. હાલના તબક્કે નોન-એસી લોકલના બદલે એસી લોકલની સર્વિસમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ આગામી દિવસોમાં વધુ ટ્રેન સર્વિસ દોડાવવાની સાથે ટ્રેનની ઓપરેશન સિસ્મટ વધુ રેગ્યુલર બની શકશે, એવો પશ્ચિમ રેલવેના અધિકારીએ દાવો કર્યો હતો.

આ કામકાજ માટે છેલ્લા 10 દિવસ દરમિયાન પશ્ચિમ રેલવેમાં 2,500થી વધુ લોકલ રદ કરવામાં આવી હતી, જ્યારે 260થી વધુ લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનની સેવા પર અસર પડી હતી, પરિણામે પ્રવાસીઓને ટ્રેનોમાં પ્રવાસ કરવામાં હાલાકી પડી હતી. બ્લોકના દિવસોમાં રોજ અગિયાર-બાર વાગ્યા પછી ટ્રેનો રદ કર્યા પછી મહિલાઓ સાથે સિનિયર સિટીઝન માટે ટ્રેનમાં મુસાફરી કરવામાં બેહાલ થયા હતા, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.

સાતમી ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલા કામકાજને 30 નાઈટ માટે પ્રી-ટ્રાફિક વર્ક ઓર્ડર અને 29 નાઈટના ટ્રાફિક વર્ક ઓર્ડરનો સમાવેશ થયો હતો, જેમાં છ સ્ટેશન પર 10 રાતનો નોન-ઈન્ટરલોકિંગ કામકાજનો સમાવેશ હતો.

પશ્ચિમ રેલવેમાં પાંચમી લાઈન અને બંને ફાસ્ટ લાઈનમાં 12 ટર્નઆઉટ અને ત્રણ ટ્રેપ પોઈન્ટ બિછાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 700 મીટર ટ્રેક હટાવવાની સાથે ડાયમંડ ક્રોસિંગ સહિત પાંચ પોઈન્ટને તોડવાની સાથે બાંદ્રા ટર્મિનસ યાર્ડની પાંચમી અને છઠ્ઠી લાઈન માટે એક સ્વતંત્ર ક્નેક્ટિવિટી મળશે. આ બ્લોકની કામગીરી દરમિયાન હાઈ ટેક મશીનરીમાં ટી-28, યુનિમેટ, ડુઓમેટિક, યુટીવી, હાઈડ્રોલિક ક્રેઈન સહિત જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવિત કોરિડોર માટે સરકારી જમીનને હસ્તગત કરવાની બાબતનો સમાવેશ થાય છે.

છઠ્ઠી નવેમ્બરથી ટ્રેનસેવા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી, પરંતુ ટ્રેનો રોજના માફક અડધોથી પોણો કલાક મોડી પડવાને કારણે પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવામાં કોઈ રાહત થઈ નથી. બોરીવલીના રહેવાસી મનીષ દોશીએ કહ્યું હતું કે બ્લોક પૂરો થયો છે, પણ એવું લાગતું નથી, કારણ કે આજે પણ યથાવત રહી હતી. લોકલ ટ્રેનો પણ અડધો કલાકથી વધુ મોડી દોડતી હોવા છતાં એનાઉન્સ કરવામાં આવતું હતું કે હજુ ટ્રેનસેવા પર અસર રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button