આમચી મુંબઈમહારાષ્ટ્ર

Good News: પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને મળી સૌથી પહેલી મુંબઈ-ગોવા ટ્રેન, જાણો ક્યારથી શરુ થશે?

મુંબઈ: મધ્ય રેલવેમાંથી અત્યારે ગોવા વચ્ચે ટ્રેન દોડાવાય છે પણ પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને એ સુવિદ્યા પ્રાપ્ત કરવામાં ક્યારેક મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવે છે હવે રેલવે એનો ઉકેલ શોધી લાવ્યું છે અને હવે પશ્ચિમ રેલવેમાંથી મુંબઈ (બાંદ્રા)થી ગોવા ટ્રેન શરૂ કરવામાં આવશે. ચાલો એ પણ જાણી લઈએ ક્યારથી શરૂ થશે.

આ પણ વાંચો : પશ્ચિમ રેલવેમાં આજે રાતથી 35 દિવસનો વિશેષ બ્લોક શરુ થશે, લેટ નાઈટ ટ્રાવેલ કરનારાની મુશ્કેલીઓ વધી શકે

પશ્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે પશ્ચિમ રેલવેના કોરિડોરમાં ડાયરેક્ટ રેલ કનેક્ટિવિટી નથી, તેથી ટ્રેનને ઉત્તરથી દક્ષિણ વાયા વસઇ રોડથી દોડાવવામાં આવશે, તેનાથી ટ્રેનની પંક્ચ્યુઆલિટીમાં સુધારો થશે તેમજ સમયની પણ બચત થશે. બાંદ્રા ટર્મિનસ અને ગોવાના મડગાંવ વચ્ચે બાય-વીકલી ટ્રેન દોડાવવાનું રેલવે બોર્ડ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

આ ટ્રેન દર બુધવાર અને શુક્રવારે સવારે 6.50 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને રાતના દસ વાગ્યે મડગાંવ પહોંચશે. એ જ રીતે મડગાંવથી દર મંગળવાર અને ગુરુવારે સવારના 7.40 વાગ્યે ઉપડશે અને રાતના 11.40 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેનના હોલ્ટ સ્ટેશન 13 રહેશે, જેમાં બોરીવલી, વઈસ રોડ, ભિવંડી રોડ, પનવેલ, રોહા, વીર, ચિપલુણ, રત્નાગિરિ, કણકવલી, સિંધુદુર્ગ, સાવંતવાડી, થિવિમ અને કરમાલીનો સમાવેશ થાય છે. આ ટ્રેનના કોચ એલએચબી એટલે એકદમ આધુનિક હશે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.

આ પણ વાંચો : કર્ણાક પુલનું મૂરત નવા વર્ષમાં નીકળશે…

મુંબઈ (પશ્ચિમ રેલવે બાંદ્રા)થી સપ્તાહમાં બે દિવસ માટે સુપરફાસ્ટ ટ્રેન દોડાવવા માટે રેલવે બોર્ડે ગ્રીન સિગ્નલ આપ્યું છે. અને આ ટ્રેનનું ઔપચારિક ઉદ્ઘાટન આવતીકાલે બોરીવલી ખાતે કરવામાં આવશે. હાલમાં મધ્ય રેલવે (સીએસએમટી, પનવેલ અને એલટીટી)માંથી ટ્રેન દોડવાય છે, જ્યારે પશ્ચિમ રેલવેમાંથી તહેવારોમાં દોડાવાય છે, પણ આ પ્રયાસ પહેલી વખત હાથ ધરવામાં આવશે, તેનાથી પશ્ચિમ રેલવેમાં રહેનારા પ્રવાસીઓને અને કોંકણવાસીઓને રાહત થશે.

કોંકણવાસીઓની સાથે ગુજરાતી પ્રવાસીઓ માટે ગોવા મનપસંદ ફરવાનું સ્થળ છે, જ્યારે મુંબઈથી તેજસ એક્સપ્રેસ સહિત અનેક સુપરફાસ્ટ ટ્રેન દોડાવાય છે, પરંતુ પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને ડાયરેક્ટ કનેક્ટિવિટી મળવાથી વધુ ફાયદો થશે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button