આવતીકાલે પશ્ચિમ રેલવેમાં મેજર નાઈટ બ્લોક, જાણી લો ફટાફટ વિગતો
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં કાંદિવલી અને ગોરેગાંવ વચ્ચે તૈયાર કરવામાં આવી રહેલી રેલવેની છઠ્ઠી લાઇનનું કામ વધુ ઝડપી અને સરળ બનાવવા માટે આવતીકાલે એટલે કે સોમવારે મધરાતે કાંદિવલી-ગોરેગાંવ વચ્ચે બ્લોક રાખવામાં આવ્યો છે. 23મી તારીખના સોમવારે રાતના 11 વાગ્યાથી 24મી તારીખ મંગળવારે સવારે સાડા પાંચ વાગ્યા સુધીનો સાડા છ કલાકનો મેજર બ્લોક રાખવામાં આવ્યો છે. આ બ્લોક પાંચમી-અપ ફાસ્ટ લાઇન પર રાખવામાં આવ્યો છે.
આ વિશે માહિતી આપતા પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે બ્લોક દરમિયાન અપ ફાસ્ટ લાઇન પર દોડતી બધી જ ટ્રેનો બોરીવલીથી અંધેરી દરમિયાન 11 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી અપ સ્લો લાઇન પર દોડાવાશે.
આ બ્લોકના કારણે ખાસ કરીને ઉપનગરના પ્રવાસીઓને અસર થશે. અમુક ટ્રેન રદ-શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આવતીકાલે રાતના 10.24 ચર્ચગેટ-બોરીવલી ટ્રેન મલાડ, 10.44 વાગ્યાની વિરારથી અંધેરી ટ્રેન બોરીવલી સુધી દોડાવાશે. રાતના અંધેરીથી 11.55 વાગ્યાની અંધેરી-ભાયંદર એસી લોકલ બોરીવલી સુધી દોડાવાશે.
એ જ રીતે વહેલી સવારના બાંદ્રા-બોરીવલી લોકલ ગોરેગાંવ સુધી દોડાવાશે, જ્યારે 24 તારીખના સવારે 8.12 વાગ્યાની બોરીવલી-વિરાર નાલાસોપારા સુધી દોડાવાશે, જ્યારે આ ટ્રેન નાલાસોપારા-વિરાર વચ્ચે રદ રહેશે. વિરારથી નવ વાગ્યાની વિરાર-બોરીવલી સ્લો લોકલને ફાસ્ટ કોરિડોર (અંધેરી-બાંદ્રા, દાદર-મુંબઈ સેન્ટ્રલ)માં દોડાવાશે. આ ઉપરાંત, મંગળવારે સવારના 9.19 વાગ્યાની ચર્ચગેટ-બોરીવલી લોકલ અને વહેલી સવારની 4.32 વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ એસી લોકલ સ્લોના બદલે ફાસ્ટ કોરિડોરમાં દોડાવાશે.