પશ્ર્ચિમ અને પૂર્વ ઉપનગરમાં પાણીના રહેશે ધાંધિયા પાણીની પાઈપલાઈનમાં ભંગાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ માટે ચાલી રહેલા ખોદકામને કારણે ગુરુવારે રાતના અંધેરી (પૂર્વ)માં સીપ્ઝ ગેટ નંબર ૩ અને ઈંડિયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું, જેનું સમારકામ હજી થયું નથી. તેથી હજી બે દિવસ પશ્ર્ચિમ ઉપનગર સહિત પૂર્વ ઉપનગરના અમુક વિસ્તારમાં પાણીના ધાંધિયા રહેવાના છે.
પાલિકાના જણાવ્યા મુજબ શનિવાર સવારથી પાઈપલાઈનમાં સમારકામ હાથ ધરાશે જે આવતી કાલ સુધી ચાલશે. તેથી આ સમય દરમિયાન પશ્ર્ચિમ ઉપનગર બાંદ્રાથી જોેગેશ્ર્વરી સહિત પૂર્વ ઉપનગરમાં કુર્લા અને ઘાટકોપરના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો સંપૂર્ણરીતે બંધ રહેશે. તો અમુક વિસ્તારમાં ઓછા દબાણની સાથે પાણીપુરવઠો થશે.
વેરાવળી-૩ જળાશયમાં ૧૮૦૦ મિલીમીટર વ્યાસની બે ઈનલેટમાંથી એક ઈનલેટ મુખ્ય પાઈપલાઈનને અંધેરી (પૂર્વ)માં સીપ્ઝ ગેટ નંબર ૩ અને ઈંડિયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે ગુરુવારે, ૩૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ ધક્કો લાગ્યો અને ગળતર ચાલુ થયું હતું. પાઈપલાઈનનનું સમારકામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું.
શુક્રવારે, પહેલી ડિસેમ્બરના સવારના એચ-પૂર્વ વોર્ડમાં સાંતાક્રુઝ (પૂર્વ)માં (વાકોલા, પ્રભાત કોલોની), એચ-પશ્ર્ચિમ વોર્ડમાં સાંતાક્રુઝ (પશ્ર્ચિમ), ખાર (પશ્ર્ચિમ), બાંદ્રા (પશ્ર્ચિમ) અને કે-પશ્ર્ચિમ વોર્ડમાં અંધેરી પશ્ર્ચિમમાં ચાર બંગલા, જુહૂ કોળીવાડા, એસ.વી.રોડ) વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થયો હતો. તેથી નાગરિકોને હાલાકી થઈ હતી.