30 દિવસ પૂરા થયા બાદ એકેય પ્રધાનોને ફરવા દઈશું નહીં: જરાંગે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા આરક્ષણની માગણી સાથે મનોજ જરાંગે ઉપવાસ પર બેઠા છે અને તેમના ઉપવાસનો પંદરમો દિવસ છે ત્યારે તેમણે મંગળવારે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે સરકાર એક મહિનાનો સમય માગી રહી છે. આવતીકાલે તેઓ અમને સમય ન આપવામાં આવ્યો એવું બહાનું ન કરે તે માટે સમય આપીએ છીએ. આમેય પંદર દિવસ પૂરા થઈ ગયા છે તો બીજા એક મહિનાનો સમય આપીએ છીએ. 30 દિવસ પૂરા થયા બાદ 31મા દિવસે રાજ્યના એકેય પ્રધાનને મહારાષ્ટ્રની સીમામાં ફરવા દઈશું નહીં, એવી ચેતવણી મનોજ જરાંગેએ ઉચ્ચારી છે.
બીજી તરફ મરાઠા આરક્ષણ અને મનોજ જરાંગેના ઉપવાસને મુદ્દે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ એક બેઠક પાર પડી હતી
મરાઠા આરક્ષણના મુદ્દાને પાટે ચડાવવા માટે અમને એક મહિનાનો સમય જોઈએ છે એવું વલણ સરકારનું છે. આથી સરકારને એક મહિનાનો સમય આપવો જોઈએ. સરકારે એક મહિનામાં આ મુદ્દે નિર્ણય લેવો. આ એક મહિનામાં જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ફરી એક વખત આમરણ ઉપવાસ કરીશ, એમ જરાંગેએ કહ્યું હતું.
એક મહિના બાદ રાજ્યના એકેય પ્રધાનને મહારાષ્ટ્રની સીમામાં ફરવા દઈશું નહીં, એવી ચિમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
આજથી સરકારને એક મહિનાનો સમય આપ્યો છે. આ એક મહિનામાં સરકારે આરક્ષણનું કામ કરવું આજે 12 તારીખ છે અને જો સરકાર નિર્ણય લેશે નહીં તો 12 ઑક્ટોબરે મરાઠા સમાજની એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવશે. આ સભામાં રાજ્યનો દરેક મરાઠા સમાજનો વ્યક્તિ સામેલ થશે. દેશના ઈતિહાસમાં ક્યારેય નહીં એવી મોટી સભા થશે. મરાઠા સમાજનો આક્રોશ તેના માધ્યમથી આખી દુનિયાને જોવા મળશે. આથી સરકારે આપેલા એક મહિનામાં આરક્ષણ આપવું એવી અપેક્ષા છે.
સમય આપ્યો પણ ઉપવાસ ચાલુ રહેશે
મરાઠા આરક્ષણના મુદ્દે નિર્ણય લેવા માટે રાજ્ય સરકારે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે, પરંતુ સમય આપ્યો હોવા છતાં મારા ઉપવાસ ચાલુ રહેશે. હું જ્યાં બેઠો છું ત્યાં આરક્ષણ મળશે ત્યાં સુધી બેસી રહીશ. જ્યાં સુધી મરાઠા સમાજના હાથમાં આરક્ષણનો પત્ર નહીં આવે ત્યાં સુધી મારા સંતાનોના ચહેરા પણ જોઈશ નહીં, એમ પણ જરાંગેએ કહ્યું હતું.