તાજ હોટેલ ઉડાવી દઈશું, તમારાથી થાય એ કરી લો…
મુંબઈઃ મુંબઈમાં આતંકવાદી હુમલો કરવાની ધમકીઓ આપવાનો સિલસિલો સતત ચાલી જ રહ્યો છે અને એ જ સિલસિલામાં આજે મુંબઈની તાજ હોટેલમાં બોમ્બ મુકાયો હોવાનો ફોન આવ્યો હતો. આ ફોન કરનાર કોલરની મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ આવું કેમ કર્યું એની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 14મી ઓક્ટોબરના રાતે સાડાઆઠ વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ મુંબઈ ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમને ફોન કરીને તાજ હોટેલમાં બોમ્બ મૂક્યો હોવાનું જણાવ્યું હતું. તાજ હોટેલમાં બોમ્બ ધડાકો કરવામાં આવશે, તમારાથી થાય એ કરી લો, એવું કોલરે જણાવ્યું હતું.
ફોન આવતા જ તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ તાજ હોટેલ પહોંચી ગઈ હતી અને હોટેલની ઝડતી લેવામાં આવી હતી. એક કલાક બાદ પણ જ્યારે કંઈ હાથ નહીં લાગ્યું ત્યારે આ ફોન ખોટો હોવાનું સ્પષ્ટ થયું હતું. અગ્નિશામક દળે આ બાબતની જાણ મુંબઈ પોલીસને કરી હતી. પોલીસે પણ તાજ હોટેલનું નિરીક્ષણ કર્યું હતું પણ તેમને પણ કંઈ શંકાસ્પદ મળી નહોતું આવ્યું. ત્યાર બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
આરોપીની ઓળખ ધરમપાલ સિંહ (36) તરીકે થઈ હતી અને તે દિલ્હીનો રહેવાી છે. બોમ્બ મૂકાયો હોવાની ધમકી મળ્યા બાદ જ્યારે પોલીસે કોલરનો નંબર તપાસ્યો તો તેણે ફાયર બ્રિગેડને કોલ કરવા પહેલાં મુંબઈ પોલીસને 28 વખત કોલ કર્યા હોવાની માહિતી જાણવા મળી હતી. કોલાબા પોલીસે આઈપસીની ધારા 506 (2) હેઠળ ગુનો નોંધીને તેણે આવો ફોન કેમ કર્યો એની તપાસ હાથ ધરી છે.
જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમને બોમ્બ વિસ્ફોટ કરવાની માહિતી આપતો ફોન આવ્યો હોય. આ પહેલાં પણ મંત્રાલય, મુંબઈ લોકલ ટ્રેનમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપતા ફોન આવી ચૂક્યા છે અને પછીથી એ તમામ ફોન ખોટા હોવાની માહિતી સામે આવી હતી.