મહિલાઓને જોવાની રીત બદલવાની જરૂર છે: રાષ્ટ્રપતિ મુર્મુ
રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મુએ મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના શતાબ્દી સમારોહમાં કહ્યું
મુંબઈ: રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મુએ મંગળવારે મહિલાઓ પ્રત્યેની દ્રષ્ટિ બદલવાની જરૂરિયાત વ્યક્ત કરતાં નોંધ્યું હતું કે તેમના સામાજિક-આર્થિક અને શૈક્ષણિક વિકાસ વિના દેશની પ્રગતિ સંપૂર્ણ રીતે સાકાર થઈ શકે નહીં. મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના શતાબ્દી સમારોહને સંબોધતા તેમણે એ બાબત પ્રત્યે ધ્યાન દોર્યું હતું કે ભારતની અડધી વસ્તી મહિલાઓ છે અને ઉમેર્યું હતું કે દેશને આગળ લઈ જવા માટે વિવિધ ક્ષેત્રોમાં તેમની સક્રિય ભાગીદારીની જરૂર છે.
તેમની (મહિલા) સામાજિક-આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ વિના, દેશનો વિકાસ જે રીતે થવો જોઈએ તે રીતે પ્રાપ્ત કરી શકાશે નહીં, એમ તેમણે કહ્યું હતું.
મહિલાઓને જે રીતે જોવામાં આવે છે અને સમજવામાં આવે છે તેમાં એક ખામી છે. મહિલાઓને જોવાની રીત બદલવાની જરૂર છે. તેને બદલવાની આપણી ફરજ અને જવાબદારી છે, એમ રાષ્ટ્ર પ્રમુખે કહ્યું હતું.
તાજેતરમાં મહિલાઓ સામેના અપરાધના વિવિધ કેસોની પૃષ્ઠભૂમિમાં તેમનું આ નિવેદન આવ્યું હોવાથી તેનું મહત્ત્વ વધી જાય છે. જેમાં કોલકાતાની આર. જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરની બળાત્કાર અને હત્યાનો સમાવેશ થાય છે, જેણે દેશભરમાં તબીબી સમુદાય દ્વારા ભારે વિરોધ કર્યો હતો.
રાષ્ટ્રપ્રમુખ મુર્મુએ સુપ્રસિદ્ધ મરાઠા યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજની માતા વીરમાતા જીજાબાઈ અને સમાજસુધારક સાવિત્રીબાઈ ફુલેના યોગદાનને પણ બિરદાવ્યું હતું, જેમણે મહિલા શિક્ષણના ક્ષેત્રમાં યોગદાન આપ્યું હતું.
મુર્મુએ મંગળવારે શિક્ષણ પ્રણાલીમાં સંશોધનને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ભારતના સંશોધનકર્તા વિદ્વાનો માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્ર્વની સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે સક્ષમ છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંશોધનને વેગ આપે છે એમ તેમણે પુણેમાં સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) ખાતે 21મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરતાં જણાવ્યું હતું.
મુર્મુએ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટતાને અનુસરવા અને સફળતાને પૈસા, મોટું ઘર અથવા કાર જેવી ભૌતિક સંપત્તિ સાથે સરખાવી ન લેવા વિનંતી કરી.
મને વિશ્ર્વાસ છે કે યુવા પેઢી દેશના વિકાસ માટે સખત મહેનત કરી રહી છે. દેશના લોકો પાસે ઘણી પ્રતિભા અને કૌશલ્ય છે.
હું ઇચ્છું છું કે તમે સમાજની જરૂરિયાતોને સમજો અને તમારા જ્ઞાનનો ઉપયોગ કરીને, એવા ઉકેલો સાથે આવો જે લોકોના વિકાસમાં મદદ કરી શકે, એમ તેમણે કહ્યું હતું. મુર્મુએ ઉમેર્યું હતું કે તમામ શૈક્ષણિક સંસ્થાઓએ યુવા પેઢીને અદ્યતન ટેકનોલોજીના જ્ઞાન સાથે મૂલ્ય આધારિત શિક્ષણ આપવાનું લક્ષ્ય રાખવું જોઈએ.