ભારત માટે વૈશ્વિક કોન્ટેન્ટ સુપરપાવર બનવાની સુવર્ણ તક!

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્લ્ડ ઑડિયો-વિઝ્યુઅલ અને મનોરંજન ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ) 2025 માંડ અઠવાડિયું દૂર છે. પહેલીથી ચોથી મે, 2025 દરમિયાન મુંબઈના બીકેસી સ્થિત જિયો ક્ધવેન્શન સેન્ટર ખાતે યોજાનાર આ ભવ્ય સમિટ ભારતને વૈશ્વિક કોન્ટેન્ટ સુપરપાવર તરીકે સ્થાપિત કરવાની સુવર્ણ તક હશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ભારત સર્જનાત્મક અર્થતંત્રમાં આગેવાની લઈ રહ્યું છે અને હંમેશની જેમ મુંબઈ સર્જનાત્મક અર્થતંત્રનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. વેવ્સ 2025 માત્ર એક સમિટ નથી, પરંતુ એક પરિવર્તનશીલ ક્ષણ છે જે ભારતની સર્જનાત્મક શક્તિ, વૈશ્ર્વિક રોકાણ અને નીતિ પરિવર્તનને ઉત્પ્રેરિત કરશે. તમામ ક્ષેત્રોના નિષ્ણાતો એવી અપેક્ષા રાખે છે કે, ભારત વૈશ્વિક સામગ્રી ક્ષેત્ર પર પોતાની છાપ ઉપસાવવા માટે આનો ઉપયોગ કરશે.
ભારતમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગ રોજગાર સર્જનની દ્રષ્ટિએ ઝડપથી વિકસતો અને મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. ભારતે છેલ્લા દાયકામાં ઓટીટી, એનિમેશન, ગેમિંગ, વીએફએક્સ, ફિલ્મ, સંગીત અને ડિજિટલ મીડિયા ક્ષેત્રે રેકોર્ડ પ્રગતિ કરી છે. ફિક્કીના અહેવાલ મુજબ, ભારતીય મનોરંજન ઉદ્યોગનું મૂલ્ય 2024માં 28 બિલિયનને વટાવી ગયું હતું અને 2025 સુધીમાં 34 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. આ પૃષ્ઠભૂમિમાં વેવ્સ 2025 ફક્ત ચર્ચાઓ માટેનું પ્લેટફોર્મ નહીં, પરંતુ ભારતના સર્જનાત્મક ઉદ્યોગોને વિશ્વભરના રોકાણ, સહયોગ અને નવીનતા સાથે જોડતા સેતુ તરીકે પણ કામ કરશે.
ભારતમાં હાલમાં વાર્ષિક 2000 થી વધુ ફિલ્મોનું નિર્માણ થાય છે, જેમાં 20થી વધુ પ્રાદેશિક ભાષાઓનો સમાવેશ થાય છે. ઓટીટી પ્લેટફોર્મ પર ભારતીય સામગ્રીની માગણી માત્ર દેશમાં જ નહીં પરંતુ અમેરિકા, યુરોપ, મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાઈ દેશોમાં પણ વધી રહી છે. આ માગણીનો લાભ લઈને, ભારત માટે ‘ક્ધટેન્ટ એક્સપોર્ટ હબ’ બનવા માટે પગલાં લેવા એ સમયની માગ બની ગઈ છે. વેવ્સ 2025 આ દિશામાં એક નિર્ણાયક પગલું હશે. આ પરિષદ ફક્ત સંવાદ માટે જ નહીં, પરંતુ સક્રિય નીતિ-નિર્માણ માટે પણ એક કેન્દ્રબિંદુ હશે, જેના પરથી મનોરંજન ક્ષેત્રમાં ભારતની ભાવિ દિશા નક્કી કરવામાં આવશે.
ઓસ્કાર, કાન્સ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, દાવોસની જેમ દર વર્ષે વેવ્સનું પણ આયોજન કરવામાં આવશે. આ પરિષદ દર વર્ષે યોજાશે, જે તેને કાયમી સ્વરૂપ આપશે. આ માટે એક સમર્પિત ટીમ આખા વર્ષ દરમિયાન કાર્યરત રહેશે.